BREAKING NEWS

મોરબી LCBનો મોટો ધડાકો: માળિયાના મોટા દહીંસરામાં ધમધમતી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી

  • September 07, 2026 06:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોરબી ડિસ્ટ્રિક્ટ લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB)ની ટીમને દારૂબંધીના કડક અમલવારી અંગે મોટી સફળતા સાંપડી છે. મોરબીના માળિયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામેથી પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ગેરકાયદેસર રીતે ધમધમતી નકલી દારૂ બનાવવાની મિની ફેક્ટરી ઝડપી પાડી છે. ગ્રામ્ય વિસ્તારમાં મકાનની આડમાં ચાલતા આ કાળા કારોબારનો પર્દાફાશ થતાં જ સમગ્ર પંથકના બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, LCB ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે મોટા દહીંસરા ગામે બે મકાનોમાં નકલી દેશી-વિદેશી દારૂ બનાવવાનું કારખાનું ચલાવવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં સ્થળ પરથી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો આશરે ૪૦૦ લીટર આલ્કોહોલ જેવો જ્વલનશીલ કેમિકલનો જથ્થો પકડી પાડ્યો હતો. આ ઉપરાંત નકલી દારૂને આકર્ષક પેકિંગ આપવા માટે રાખવામાં આવેલી ૧,૪૦૦ નંગ ખાલી બોટલો, બુચ, બ્લેન્ડર મશીન અને વિવિધ બ્રાન્ડના ડુપ્લિકેટ સ્ટીકરો સહિતનો મોટો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.


LCBની ત્વરિત અને સતર્ક કામગીરીના કારણે આ નકલી અને ઝેરી દારૂ બજારમાં વેચાણ અર્થે પહોંચે તે પહેલાં જ પોલીસે તમામ જથ્થો સીઝ કરી લીધો છે, જેનાથી એક મોટી હોનારત ટળી છે. પોલીસે સ્થળ પરથી તમામ સાધન-સામગ્રી કબજે કરીને ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ નકલી દારૂ બનાવવાના નેટવર્કમાં મુખ્ય સૂત્રધાર કોણ છે અને કેમિકલનો આટલો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application