BREAKING NEWS

બિલ્ડિંગ ફ્લાવર બેડ: બીયુ ફીમાં ઇન્સ્ટોલમેન્ટ સ્કિમ, ૫૦ લાખ સુધીની ફી એકસાથે વસૂલાશે, જાણો વિગતે

  • February 10, 2026 04:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાના બજેટમાં મ્યુનિસિપલ કમિશનરે પાણી વેરા અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનમાં વેરા વધારો સૂચવીને રાજકોટની જનતા ઉપર કુલ રૂ.૯૫ કરોડનો કરબોજ ઝીંકવામાં આવ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર સામાન્ય નાગરિકો ઉપર કોઈ પણ સંજોગોમાં કરબોજ ઝીંકવા ઇચ્છતા હતા. આથી બજેટ અભ્યાસ દરમિયાન તેમણે આવકના નવા સ્ત્રોતનું નિર્માણ કરીને કરબોજ ફગાવવા નિર્ધાર કર્યો હતો. અભ્યાસ સત્ર દરમિયાન રાજકોટની બિલ્ડર લોબી તરફથી એવી વ્યાપક રજૂઆત મળી હતી કે બિલ્ડિંગ ફ્લાવર બેડ મામલે જે બીયુ ફી વસૂલાત કરાઇ રહી છે તેમાં જો ઇન્સ્ટોલમેન્ટ સ્કિમ લાગુ કરાય તો મોટા ભાગના બિલ્ડર વ્હેલી તકે રકમ જમા કરાવી આપશે અને મોટી રકમની આવક પણ થશે. આથી ચેરમેને રજૂઆત ગ્રાહ્ય રાખી બજેટમાં ઉપરોક્ત યોજના ઉમેરી હતી.


વિશેષમાં બજેટ મંજૂર કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવ્યું હતું કે સ્ટેન્ડિંગ કમિટીએ ડ્રાફ્ટ બજેટમાં બિલ્ડિંગ ફલાવરબેડ (આર્કિટેક્ચરલ પ્રોજેક્શન્સ) માટે બી.યુ. રેગ્યુલરાઇઝેશન ફીમાં હપ્તા પધ્ધતિની યોજના ઉમેરી છે. રાજકોટ મહાનગર વિસ્તારમાં માત્ર ફલાવર બેડ( આર્કિટેકચરલ પ્રોજેક્શન્સ) માટે ઘણાં સમયથી આવેલ અરજીઓ અન્વયે બી.યુ.પરમીશન આપવાની પ્રક્રિયાને વેગવંતી બનાવી શહેરીજનોને સરકારની નીતિનો મહત્તમ અને ઝડપી લાભ થઇ શકે તે માટે બી.યુ. પરમીશન માટે રેગ્યુલરાઇઝેશન ફીમાં હપ્તા પધ્ધતિ યોજના અમલમાં મુકવામાં આવશે.આ યોજના અંતર્ગત રૂ.૫૦ લાખથી ઓછી રકમની રેગ્યુલરાઇઝેશન ફી એક સાથે ભરપાઇ કરવાની રહેશે, તેમજ રૂ.૫૦ લાખ કે તેથી વધુની રકમ એક વર્ષની સમયમર્યાદામાં ચાર ત્રિમાસિક હપ્તાથી ભરપાઇ કરી શકાશે.


અત્રે ઉલ્લેખનીય છે કે બિલ્ડિંગ ફ્લાવર બેડના પેચીદા પ્રશ્ને દોઢ વર્ષ સુધી રાજકોટ શહેરની રિયલ એસ્ટેટ માર્કેટ ઠપ્પ થઇ ગઇ હતી, ત્યારબાદ શહેરી વિકાસ વિભાગે નિર્ધારિત ફી નક્કી કરીને ફ્લાવર બેડ સાથેના બિલ્ડિંગને બીયુ આપવા હુકમ કર્યો હતો. આ હુકમ બાદ પણ ખાસ આવક થતી ન હતી કારણકે પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા બાદ નફાના ભાગ પડી જતા ભાગીદારો છૂટા પડી ગયા હોય, એકાઉન્ટ ક્લોઝ થઈ ગયા હોય, અન્ય પ્રોજેક્ટમાં નફાની રકમનું રોકાણ થઈ ગયું હોય, ઓન વ્હાઈટ મૂડીની બેલેન્સ ન હોય તેવા અનેકવિધ પ્રશ્નોની હારમાળા સર્જાઇ ગઇ હતી. દરમિયાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને બિલ્ડર લોબી માટે આફત સમાન બનેલા આ પ્રશ્નને અવસરમાં પલટાવી વ્યવહારુ ઉકેલ શોધ્યો હતો અને બિલ્ડરો જો વ્હેલી તકે રકમ ચૂકવવાની ખાતરી આપતા હોય હપ્તા પધ્ધતિની યોજના માટે વિચારણા કરવા ખાતરી આપી હતી. દરમિયાન બિલ્ડરો સમય સર હપ્તા ભરશે તેવી ખાતરી તેમના સંગઠન ક્રેડાઇ તરફથી તેમજ અન્ય અગ્રણી બિલ્ડર્સ તરફથી મળતા ચેરમેને બજેટમાં આ યોજના ઉમેરી બિલ્ડર લોબીને વેલેન્ટાઈન ગિફ્ટ આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application