BREAKING NEWS

ચામુંડાનગરમાં કાર સળગાવ્યાની ફરિયાદ નુકશાનીના પૈસા મુદ્દે સામસામે મારામારી

  • December 13, 2025 02:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના ખીજડારોડ પર ચામુંડાનગરમાં મહિના પહેલા કાર સળગાવ્યાની ફરિયાદનું મનદુઃખ રાખી બે શખ્સોએ યુવક પર છરી વડે હુમલો કરી ઢીકાપાટુનો મારમારતા પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે. જયારે સામાપક્ષે પણ યુવકે પોતાની ઉપર ચામુંડાનગરમાં રહેતા શખ્સ અને તેના પરિવારે છરી વડે હુમલો કરી ઢીકાપાટુનો મારમાર્યો હોવાની વળતી ફરિયાદ નોંધાવી છે. બનાવમાં બે યુવકને ઇજા થતા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.


શહેરના ખીજડા રોડ પર ચામુંડાનગર શેરી નંબર-1માં રહેતો અને ચકરડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો અનિકેત મનોજભાઈ રાઠોડ (ઉ.વ.26)ના યુવકે માલવીયા નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં હાર્દિક સભાડ અને સોનુ ભૈયાજીના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, એકાદ મહિના પહેલા મિત્રની કાર સેલ્ફ ડ્રાઈવ માટે ભાડેથી લઇ આવ્યો હતો અને ઘર પાસે પાર્ક કરી હતી ત્યારે હાર્દિક સભાડ અને અનિકેત ભૈયાજી ઘર પાસે આવી મારી ચકરડીઓ અને ભાડાની વરના કારમાં તોડફોડ કરી જ્ઞાતિ પ્રત્યે એલફેલ બોલી તમારે કારલેવાની ત્રેવડ છે ? કહી જતા રહ્યા હતા. આ બાબતે પોલીસમાં ફરિયાદ કરવા જતો હોય ત્યારે હાર્દિકના પિતાએ ઘરે આવી કારની નુકશાનીના પૈસા આપી સમાધાન કર્યું હતું. ત્યારે બાદ મોડી રાત્રે વરના કાર કોઈએ સળગાવી દીધી હતી. બીજા દિવસે જાણવા મળ્યું હતું કે, કાર સોનુ ભૈયાજી અને આર્યન ઉર્ફે તાલીએ કાર સળગાવી હતી. જેથી આ બાબતે મેં માલવીયાનગર પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. ફરિયાદનો ખાર રાખી ગઈકાલે રાત્રીના સાડા દસેક વાગ્યે એક્ટિવા લઈને ઘરે જતો હતો ત્યારે સોનુ ભૈયાજી અને હાર્દિક સભાડએ મને રોકી સોનુ ભૈયાજી મને પકડી રાખ્યો હતો અને હાર્દિકે છરી ગળે રાખી તું અમારા વિરુદ્ધ કેમ એટ્રોસિટીની ફરિયાદ કરવા માટે ગયો હતો, આ છરી ફેરવી દઈશ તો તારું અહીં જ પૂરું થઇ જશે કહી છરીના હાથાથી અને ઢીકાપાટુનો બેફામ મારમાર્યો હતો.

બનાવની મારા પરિવારને જાણ કરતા મારા માતા, બહેન, સહિતના પરિવારના સભ્યો આવી ગયા હતા અને 112 જન રક્ષકમાં ફોન કરતા પોલીસ પણ આવી ગઇ હતી. મારામારીમાં હાર્દિકને પણ ઇજા થતા પોલીસ તેને લઇ ગઈ હતી. મને ઇજા થવાથી 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં પહોંચી સારવાર લીધી હતી.


જયારે સામાપક્ષે અમરનગર-7માં રહેતો હાર્દિક હીરાભાઈ સભાડ (ઉ.વ.24)નો યુવક પોતાને અનિકેતે છરી વડે હુમલો કરી તેના પિતા, માતા, બહેન અને મામાનો દીકરો સહિતના બે અજાણ્યા શખ્સોએ ઢીકાપાટુનો મારમાર્યો હોવાની રાવ સાથે સિવિલમાં દાખલ થયો હતો. વળતી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે સોનુ ભૈયાજી અને હું બંને મારા પિતાના ગેરેજે જતા હતા ત્યારે ચામુંડાનગર પાસે અનિકેત તેનો મામાનો દીકરો યસ અને બે અજાણ્યા માણસો ઉભા હતા. અનિકેતે અમને ઉભા રખાવી તે કેમ મારી કાર સળગાવી હતી અને તેનો ખર્ચ કેમ તું આપતો નથી કહી ઝગડો કરી છરી કાઢી હુમલો કર્યો હતો. મિત્ર સોંનું છોડાવવા વચ્ચે પડતા તેને પણ મારમાર્યો હતો. આ દરમિયાન અનિકેતના માતા,પિતા, તેની બહેન પણ ત્યાં આવી ગયા હતા અને બધાએ મળી ઢીકાપાટુનો મારમાર્યો હતો.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બંને પક્ષની એન્ટ્રી નોંધી માલવીયાનગર પોલીસને જાણ કરતા પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે બે મહિલા સહીત આઠ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application