BREAKING NEWS

ખેતર ખેડતા પિતાના ટ્રેક્ટર અને રાપ નીચે પુત્ર ચગદાઈ ગયો, ચિત્તલમાં ચાર વર્ષના બાળકનું કમકમાટીભર્યું મોત

  • December 06, 2025 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમરેલીના ચિત્તલ ગામે મીની ટ્રેકટર પાછળ રાપ બાંધી ખેતર ખેડતી વખતે રાપના પાઇપ ઉપર બેઠેલો ચાર વર્ષનો પુત્ર નીચે પડી જતા ટ્રેકટર અને રાપ વચ્ચે ચકદાઈ જવાથી કરુણ મોત નીપજ્યું હતું. બનાવના પગલે પરિવારમાં આક્રંદ સર્જાયો હતો.


કરુણ બનાવની મળતી વિગત મુજબ મૂળ એમપીના અને ચિત્તલ ગામની સીમમાં આવેલી હસુભાઈ પટેલની વાડીમાં ખેત મજૂરી કામ કરતા જગદીશભાઈ અમરશીભાઈ મીનાવા વાડીએ મીની ટ્રેકટરની પાછળ લોખંડની રાપ બાંધી ખેતર ખેડતા હતા ત્યારે ટ્રેકટર પાછળ બાંધેલી રાપના લોખંડના પાઇપ ઉપર ચાર વર્ષના પુત્ર મહેશને બેસાડ્યો હતો. ખેતર ખેડતી વખતે રોદો આવવાથી પાછળ બેઠેલો પુત્ર નીચે પડી જતા તેની ઉપર ટ્રેક્ટરનું વ્હીલ અને રાપ ફરી જતા ગંભીર ઈજાઓ થવાથી લોહી લુહાણ થયો હતો. દીકરાએ ચીસ પાડતા પિતા જગદીશભાઈનું ધ્યાન પડતા ટ્રેકટર ઉભું રાખી તાકીદે પુત્રને પ્રથમ અમરેલી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવના પગલે પોલીસ દ્વારા અમરેલી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃતક બાળક ચાર ભાઇમાં સૌથી નાનો હતો, માસુમ પુત્રના મોતથી પરિવારમાં શોક છવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application