દરિયાકાંઠે પ્રિ-વેડિંગ શુટ કરવા જતા હોય તો ચેતી જજો. કારણ કે ગીર સોમનાથના વેરાવળના દરિયાકાંઠે એક યુગલ પ્રિ-વેડિંગ શુટ માટે ગયું હતું. શુટિંગ ચાલુ હતું અને અચાનક દરિયામાંથી ઉછળીને એક મોટું મોજુ આવ્યું હતું. જેમાં પાંચ લોકો મોજા સાથે ખેંચાયા હતા. જેમાં ચાર લોકોએ એકબીજાના હાથ પકડી રાખતા તેઓનો બચાવ થયો હતો. જ્યારે યુવતીને મોજુ તાણીને દરિયામાં લઈ ગયું હતું. ઘટનાની જાણ થતા જ તંત્ર તેની શોધખોળ કરવા માટે કામે લાગ્યું છે.
ઘટનાની જાણ થતા જ આજૂબાજુથી સ્થાનિક તરવૈયાઓ બચાવ માટે દોડી આવ્યા હતા. પરંતુ આ સમાચાર લખાય છે ત્યાં સુધી યુવતીનો અતોપત્તો લાગ્યો નથી.
વેરાવળ તાલુકાના છાત્રોડા ગામની રહેવાસી એવી યુવતી જ્યોતિબેન હરસુખભાઈ પરમાર, અન્યોની સાથે વેરાવળના આદરી ગામ પાસેના અરબી સમુદ્ર કાઠે પ્રિ-વેડિંગ શુટ કરી રહ્યાં હતા. આ દરમિયાન પાંચ લોકો સમુદ્ર કિનારે સેલ્ફી લેતા હતા, આ સમયે એકાએક વિશાળ મોજુ આવતા ચાર લોકોએ એકબીજાના હાથ પકડી લેતા બચવામાં સફળ રહ્યા હતા. જ્યારે એક યુવતીને મોજુ સમુદ્રની અંદર ખેંચી ગયું હતું.
આ ઘટનાની જાણ થતા જ મરિન પોલીસ દ્વારા દરિયામાં ડૂબેલી યુવતીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સાથોસાથ સ્થાનિક તરવૈયાઓ પણ દરિયાની અંદર જઈને તપાસ હાથ ધરી હતી.