BREAKING NEWS

અડાલજમાં રૂ. 101 કરોડના ખર્ચે બનશે આલીશાન બ્રહ્મભવન: અગ્રવાલ પરિવારે 37.51 કરોડની જમીન દાન કરી

  • November 26, 2026 06:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદ અને ગાંધીનગર જેવા જોડિયા શહેરોની મધ્યમાં આવેલા અડાલજ ખાતે સમસ્ત બ્રહ્મસમાજના સર્વાંગી વિકાસ અને ઉત્કર્ષ માટે રૂપિયા ૧૦૧ કરોડના માતબર ખર્ચે એક ભવ્ય અને અત્યાધુનિક 'બ્રહ્મભવન'નું નિર્માણ કરવામાં આવનાર છે. આ મહત્ત્વાકાંક્ષી સંકુલ કુલ ૫,૦૦૦ ચોરસ વાર જેટલી વિશાળ જમીન પર ૧૨ માળ સુધીનું સુવિધાજનક બાંધકામ ધરાવશે. સમાજની વર્તમાન અને ભાવિ પેઢી માટે આ ભવન એક અત્યંત પ્રેરણાદાયી, શૈક્ષણિક અને ઉપયોગી કેન્દ્ર બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.


સમાજના આ ભગીરથ અને ઐતિહાસિક પ્રોજેક્ટ માટે અડાલજના મૂળ જમીન માલિક ચીમનભાઈ અગ્રવાલ પરિવાર દ્વારા ઉદાર હાથે કરોડો રૂપિયાનું અમૂલ્ય યોગદાન આપવામાં આવ્યું છે. અગ્રવાલ પરિવારે અડાલજ વિસ્તારમાં અંદાજે રૂપિયા ૩૭ કરોડ ૫૧ લાખથી વધુની કિંમતની મોકાની જમીન સમાજને અર્પણ કરી છે, અને આ ઉપરાંત બ્રહ્મભવનના નિર્માણ કાર્ય માટે રૂપિયા ૧ કરોડનું રોકડ દાન પણ જાહેર કર્યું છે. તાજેતરમાં મૂળ જમીન માલિક પાસેથી વિધિવત રીતે ભૂમિ ગ્રહણ કરવાનો એક અત્યંત સાદગીપૂર્ણ અને ગરિમામય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ચીમનભાઈ અગ્રવાલ પરિવારના આ અનન્ય દાતાભાવ બદલ તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.


આ ભવ્ય બ્રહ્મભવનના નિર્માણ પાછળનો મુખ્ય અને પાયાનો ઉદ્દેશ્ય ભૂદેવ પરિવારના દીકરા અને દીકરીઓના શૈક્ષણિક ઉત્કર્ષનો છે. આ ૧૨ માળના ભવનમાં બહારગામથી અમદાવાદ કે ગાંધીનગરમાં ઉચ્ચ અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ માટે રહેવા અને જમવાની ઉત્તમ સુવિધા સાથે અલાયદા કુમાર અને કન્યા છાત્રાલયની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. આ ઉપરાંત, સમાજના યુવાનો આધુનિક યુગમાં ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તેમજ જીપીએસસી, યુપીએસસી સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની શ્રેષ્ઠ તૈયારી કરી શકે તે માટે લાઇબ્રેરી અને તાલીમ જેવું વિશેષ આયોજન કરવામાં આવશે, સાથે જ સમાજને ઉપયોગી અન્ય આવશ્યક સામાજિક સુવિધાઓ પણ અહીં વિકસાવવામાં આવશે.


અડાલજ ખાતે આયોજિત આ ભૂમિ ગ્રહણ અને દાતા સન્માન સમારોહમાં રાજકીય, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રના અનેક અગ્રણી મહાનુભાવોએ વિશેષ પ્રેરક ઉપસ્થિતિ નોંધાવી હતી. આ પ્રસંગે સાંસદ રાજેન્દ્ર શુક્લા, પ્રદેશ ભાજપ મહામંત્રી અને ધારાસભ્ય અનિરુદ્ધ દવે, ધારાસભ્ય અમિત ઠાકર, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત પંડ્યા તેમજ કોંગ્રેસ અગ્રણી જગત શુક્લા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પદ્મશ્રી જગદીશ ત્રિવેદી, સરદારધામના ગગજીભાઈ સુતરીયા તેમજ પૂજ્ય ચૈતન્ય શંભુ મહારાજ સહિતના સંતો અને મહાનુભાવોએ હાજરી આપીને સમાજના આ સંગઠિત અને ભગીરથ કાર્યને મુક્ત કંઠે બિરદાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application