રાજકોટ શહેરમાં નશાના દૂષણને નાબૂદ કરવા માટે પોલીસ કમિશનરેટ દ્વારા ચલાવવામાં આવી રહેલા 'સે નો ટુ ડ્રગ્સ' અભિયાન હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને મોટી સફળતા સાંપડી છે. SOGની ટીમે ચોક્કસ બાતમીના આધારે કુવાડવા રોડ વિસ્તારમાં દરોડો પાડીને મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સને રંગેહાથ ઝડપી લીધો છે.
SOG પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓમાં સંગ્રહિત રહેલો મહાવીરસિંહ ઉર્ફે કાઠી જોરુભા વાળા નામનો શખ્સ પોતાની બલેનો કારમાં ડ્રગ્સનો જથ્થો લઈને કુવાડવા-વાંકાનેર ચોકડી પાસેથી પસાર થવાનો છે. આ બાતમીના આધારે પોલીસે તુરંત વિસ્તારમાં વ્યૂહાત્મક ગોઠવણી અને વોચ ગોઠવી હતી. શંકાસ્પદ કાર ત્યાં પહોંચતાં જ ટીમે તેને ઘેરી લીધી હતી અને તલાશી લેતા કારમાંથી ૨૪.૯૪૦ ગ્રામ નશીલું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.
પોલીસે ઘટનાસ્થળેથી ૨૪.૯૪૦ ગ્રામ MD ડ્રગ્સ, બે કિંમતી મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલી બલેનો કાર સહિત એકંદર રૂ. ૭,૮૯,૮૨૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે આરોપી સામે એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે પકડાયેલો આરોપી સાધારણ નાગરિક નથી પરંતુ ગુનાહિત ઇતિહાસ ધરાવતો રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ પણ અન્ય પોલીસ સ્ટેશનોમાં હત્યા, હત્યાનો પ્રયાસ અને છેતરપિંડી જેવા અનેક સંગીન અને ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. SOG પોલીસે આ ડ્રગ્સનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો અને રાજકોટમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી છે.