BREAKING NEWS

T20 વર્લ્ડ કપ ફાઈનલ: અમદાવાદમાં 'બ્લુ ફીવર', નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ ખુલ્યા, ક્રિકેટલવરોનું ઘોડાપૂર ઉમટ્યું

  • March 08, 2026 04:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ: આજે 8 માર્ચ, 2026ના રોજ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ICC T20 વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ રહી છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે દેશના ખૂણેખૂણેથી ક્રિકેટ ફેન્સ, બોલિવૂડ સેલિબ્રિટીઝ અને દિગ્ગજ ઉદ્યોગપતિઓનો અમદાવાદ એરપોર્ટ પર જમાવડો જોવા મળી રહ્યો છે. સમગ્ર શહેર અત્યારે માત્ર 'બ્લુ' રંગમાં રંગાયેલું દેખાઈ રહ્યું છે.


મેટ્રો સ્ટેશન પર 'જીતેગા ભાઈ જીતેગા ઈન્ડિયા જીતેગા'ના નારા

મેચ શરૂ થવાના કલાકો પહેલાથી જ અમદાવાદ મેટ્રોમાં મુસાફરોની ભારે ભીડ ઉમટી પડી છે. મેટ્રો સ્ટેશન પર સ્થિતિ એવી છે કે જાણે આખું સ્ટેશન જ ભારતીય ટીમના સમર્થનમાં બ્લુ કલરનું થઈ ગયું હોય તેમ લાગે છે. ક્રિકેટ ફેન્સ બ્લુ ટી-શર્ટ પહેરીને 'જીતેગા જીતેગા ઇન્ડિયા જીતેગા', 'વંદે માતરમ્' અને 'ગણપતિ બાપ્પા મોરિયા'ના નારા લગાવી વાતાવરણને ગુંજવી રહ્યા છે. ફેન્સના મતે, આ વખતે સંજુ સેમસન અને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરીને ટ્રોફી ભારત લાવશે.


સુરક્ષાનો નવો પ્લાન: 100 મીટર દૂર બેરિકેટિંગ

ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને જેસીપી નીરજ બડગુજરના માર્ગદર્શન હેઠળ સ્ટેડિયમ બહાર આ વખતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેડિયમના ગેટ નં. 1 અને મુખ્ય માર્ગો પર બિનજરૂરી ભીડ ન થાય તે માટે સ્ટેડિયમથી 100 મીટર દૂર જ ડાબી અને જમણી તરફ કડક બેરિકેટિંગ કરવામાં આવ્યું છે. માત્ર જે ગ્રાહકો પાસે મેચની ટિકિટ છે તેમને જ સ્ટેડિયમ તરફ પ્રવેશવા દેવામાં આવી રહ્યા છે, જેના કારણે સ્ટેડિયમની આસપાસ વ્યવસ્થા જળવાઈ રહી છે.


ભગવાન કૃષ્ણ પણ આવ્યા મેચ જોવા!

ક્રિકેટ પ્રત્યેની દીવાનગી વચ્ચે ભક્તિના અનોખા દ્રશ્યો પણ જોવા મળ્યા છે. દ્વારકાથી સાત મિત્રોનું એક ગ્રુપ ખાસ ભગવાન શ્રીકૃષ્ણની બાળપણની મૂર્તિ (લાડુ ગોપાલ) સાથે લઈને આવ્યું છે. આ ગ્રુપનું કહેવું છે કે, "અમે સાત નહીં પણ આઠ છીએ, કારણ કે કાનુડો પોતે અમારી સાથે ઇન્ડિયાને જીતાડવા માટે મેચ જોવા આવ્યા છે." આ શ્રદ્ધા અને ઉત્સાહ જોઈને અન્ય ફેન્સ પણ મંત્રમુગ્ધ થયા હતા.


ચુસ્ત પોલીસ બંદોબસ્ત

સ્ટેડિયમની સુરક્ષા માટે પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગેટ નંબર 1 થી 100 સુધીના તમામ પ્રવેશદ્વારો પર પોલીસકર્મીઓ ખડેપગે છે. વીઆઈપી મૂવમેન્ટ અને એક લાખથી વધુ પ્રેક્ષકોની સુરક્ષા માટે ટેકનોલોજી અને માનવબળનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં આજે માત્ર ક્રિકેટ નથી રમાઈ રહી, પણ એક જનરેલાબ જોવા મળી રહ્યો છે. ફેન્સની આશા અને ભગવાનના આશીર્વાદ સાથે ભારત આજે વિશ્વ ચેમ્પિયન બને તેવી પ્રાર્થના દરેક ગુજરાતી કરી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News