BREAKING NEWS

હોકીના નેશનલ ખેલાડીઓના ઉતારા માટે રૈનબસેરા જેવી ભંગાર વ્યવસ્થા

  • November 14, 2025 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટના આંગણે પ્રથમ વખત હોકીની મોટી ટુર્નામેન્ટ યોજાનાર છે. ગુજરાત પોલીસના યજમાનપદે 21 વર્ષ બાદ ફરી 74 મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરમાંથી અલગ અલગ રાજ્યોની 35 થી વધુ પુરુષ અને મહિલાની ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. જેમાં પેરા મિલેટરી ફોર્સનો પણ સમાવેશ થાય છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, નેશનલ ખેલાડીઓના ઉતારા માટે જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે તે તેમની પ્રતિભાને છાજે તેવી નથી. હેડ ક્વાર્ટરમાં બેરકમાં ખેલાડીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે બેરેકની હાલત જોતા આ કોઈ રૈનબસેરા હોય તેવું પ્રતિત થાય છે. ત્યારે આ બાબતે પોલીસ આગામી દિવસોમાં હકારાત્મક અભિગમ દાખવી નેશનલ ખેલાડીઓની પ્રતિભાને છાજે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવી તે જરૂરી બની જવા પામ્યું છે.


રાજકોટમાં આગામી ડિસેમ્બર માસમાં યોજાનાર 74મી નેશનલ લેવલની ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનું આયોજન રાજકોટ શહેર પોલીસને સોંપવામાં આવતા સમગ્ર પોલીસ તંત્ર તૈયારીમાં લાગ્યું છે. આ ટુર્નામેન્ટના સફળ આયોજન માટે રાજ્ય પોલીસવડા વિકાસ સહાયના અધ્યક્ષસ્થાને વિવિધ કમિટીઓનું ગઠન કરવામાં આવ્યું છે.


રાજકોટમાં યોજાનાર આ મહત્વની ટુર્નામેન્ટને લઈ એક આઘાતજનક વાત સામે આવી રહી છે. નેશનલ લેવલની ટુર્નામેન્ટમાં દેશભરની વિવિધ સ્ટેટની ટીમો ભાગ લેવા આવનાર છે ત્યારે આ ખેલાડીઓને માટે તંત્ર દ્વારા કરવામાં આવેલી ઉતારાની વ્યવસ્થા તેમની પ્રતિભાને છાજે તે મુજબની બિલકુલ નથી.


શહેરના પોલીસ હેડ ક્વાર્ટરમાં બેરેકમાં હાલ જે ખેલાડીઓને ઉતારો આપવામાં આવ્યો છે તે ઇમારતની હાલત જોતા આ કોઈન રૈનબસેરા હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. જેમાં બાથરૂમમાં નળ સહિતની સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે તેમજ ચારેકોર ગંદકીના દ્રશ્યો નજરે પડે છે. દેશી દારૂની કોથળીઓ પણ પડી હતી પરંતુ ટુર્નામેન્ટનું આયોજન નક્કી થતાં અને ખેલાડીઓને ઉતારો આપવાનો સમય નજીક આવતા થોડી સાફ-સફાઈ કરી દેવામાં આવી છે. પરંતુ હજુ પણ નેશનલ લેવલના ખેલાડીઓ માટે યોગ્ય કહી શકાય તે પ્રકારની સુવિધા જોવા મળતી નથી.


રાજકોટના આંગણે યોજનાર આ પ્રસંગમાં ખેલાડીઓને ઉતારાની આ પ્રકારની વ્યવસ્થા આપવામાં આવતા સમગ્ર રાજકોટ પોલીસની છબી ખરડાઈ તેવી શક્યતા નકારી શકાતી નથી. ત્યારે આ બાબતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ હકારાત્મક અભિગમ દાખવી નેશનલ લેવલના ખેલાડીઓને તેમની પ્રતિભાને છાજે તે મુજબની ઉતારાની વ્યવસ્થાનું આયોજન કરે તે જરૂરી બની જવા પામ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application