જામનગરના જેસીસી હાર્ટ ઈન્સ્ટીટયુટમાં પીએમજેએવાય યોજનામાં ગેરરીતિ આચરી દર્દીઓને જરૂર ન હોવા છતાં હદૃયની સારવાર કરી કરોડના બીલ મૂકવાના મીની ખ્યાતિકાંડનો વીમાકંપનીઓની તપાસ બાદ ભાંડો ફૂટ્યો હોવાની ચોંકાવનારી હકિકતો ખૂલી છે. જેસીસી હાર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં સરકારી યોજનામાં જુદા-જુદા કેસમાં દર્દીઓને જરૂર ન હોવા હદમાં એકથી વધુ સ્ટેન્ટ મૂકવામાં આવ્યાનું ખૂલતા વીમાકંપનીના કાર્ડીયાક સર્જનો ચોંકી ઉઠ્યા હતા અને તપાસ કરતા સમગ્ર કૌભાંડ ખૂલ્યું હતું. સરકારી યોજનામાં ગેરરીતિની શંકા ન પડે તે માટે ડો. પાર્શ્ચ વોરાએ પીએમજેએવાય યોજનામાં દર્દીઓની હદૃયની સારવારના કટકે–કટકે મળી કુલ રૂ.૬ કરોડના બીલ મૂકયા હતાં.
આરોગ્ય સાથે ચેડા કરી મસમોટું કૌંભાંડ
તાજેતરમાં રાજ્યના આરોગ્ય મંત્રીએ જામનગરમાં જોલીબંગલા પાસે આવેલી જેસીસી હાર્ટ ઈન્સ્ટીટયુટ એન્ડ હોસ્પિટલમાં પીએમજેએવાય યોજના અંતર્ગત હદૃયની મહત્વની સારવારમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. જેમાં આ ઇન્સ્ટીટયુટના ડો.પાર્શ્ચ વોરાએ કરેલી કુલ ૨૬૩ દર્દીઓની સારવારમાં ૧૦૫ કેસમાં ગેરરીતિ આચરી હોવાનો અને ૫૩ દર્દીને તો હદૃયની સારવારની જરૂર ન હોવા છતાં કાર્ડિયાક સર્જરી કરી સ્ટેન્ટ બેસાડી રૂ.૬ કરોડના બીલ મૂકી દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરી મસમોટું કૌંભાંડ આચર્યાનો ઘટસ્ફોટ થયો હતો.
આ સમગ્ર કૌભાંડ કેવી રીતે બહાર આવ્યું?
ત્યારે મેનેજમેન્ટ દ્રારા સમગ્ર કૌભાંડ પર ઢાંક પીછોડો કર્યાનું ખૂલતા નવો વળાંક આવ્યો છે. બીજી બાજુ જામનગર સહિત રાજ્યભરમાં ચકચારી બનેલા પ્રકરણમાં દરરોજ ચોંકવનારી હકિકતો બહાર આવી રહી છે. આ સમગ્ર કૌભાંડનો ખુલાસો આરોગ્ય મંત્રી દ્રારા ગાંધીનગરથી કરવામાં આવ્યો હતો. ત્યારે આ સમગ્ર કૌભાંડ કેવી રીતે બહાર આવ્યું તેની સીલસીલાબધં વિગતો પણ સ્ફોટક છે. કારણ કે, પીએમજેએવાય યોજનાનું એક ચોક્કસ માળખું છે. આ માટે જે-તે હોસ્પિટલે મસમોટી ડિપોઝીટ ભરી નોંધણી કરાવાની હોય છે. ત્યારબાદ આ યોજના હેઠળ દર્દીઓની થતી સારવારની તમામ પ્રક્રિયાની વિગતો તથા બિલ સહિતના દસ્તાવેજોની નોંધ હોસ્પિટલે યોજનાના પોર્ટલમાં ઓનલાઇન કરવાની હોય છે. ત્યારપછી ગાંધીનગર ખાતે દર્દીઓની સારવારની પ્રક્રીયા તથા બીલ સહીતના દસ્તાવેજોની તપાસ કરવામાં આવે છે.
ચકાસણી નિયમ મુજબ વીમાકંપનીના કાર્ડિયાક સર્જનો દ્રારા કરવામાં આવી
ત્યારે જેસીસી હાર્ટ ઈન્સ્ટીટયુટ અને હોસ્પિટલમાં જુદા-જુદા કેસમાં પીએમજેએવાય યોજના હેઠળ ડો.પાર્શ્ચ વોરાએ કરેલી દર્દીઓની હદૃયની સારવાર તથા બિલ સહિતના દસ્તાવેજોની ચકાસણી નિયમ મુજબ વીમાકંપનીના કાર્ડિયાક સર્જનો દ્રારા કરવામાં આવી હતી. જેમાં જેસીસી હાર્ટ ઈન્સ્ટીયુટના જુદા-જુદા કેસની કરેલી તપાસમાં દર્દીઓને જરૂર ન હોવા છતાં હદૃયમાં સ્ટેન્ટ તો અમુક દર્દીઓને એકની જગ્યાએ બે કે તેથી વધુ સ્ટેન્ટ મૂક્યાનું ખૂલતા કાર્ડિયાક સર્જનો ચોંકી ઉઠ્યા હતાં. આટલું જ નહીં ડો.પાર્શ્ચ વોરાએ આ યોજનામાં કટકે-કટકે મળી કુલ રૂ.૬ કરોડના બીલ મૂકયાનું પણ ખૂલ્યું હતું.
કૌભાંડમાં શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની મીટ
આથી વીમા કંપનીના કાર્ડિયાક સર્જનોની તપાસ બાદ જામનગરની જેસીસી હાર્ટ ઈન્સ્ટીટયુટ અને હોસ્પિટલમાં ચાલતા મીની ખ્યાતિકાંડ બહાર આવ્યાનું પીએમજેએવાય યોજનાના ગાંધીનગર ખાતેના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું. ત્યારે આગામી દિવસોમાં આ ચકચારી કૌભાંડમાં શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની મીટ મંડાઇ છે.
કૌભાંડ બાદ કાનૂની પગલાંની લટકતી તલવાર, તબીબ અને પરિવારજનો ભૂગર્ભમાં.!
જામનગરની જેસીસી હાર્ટ ઈન્સ્ટીટયુટ એન્ડ હોસ્પિટલમાં પીએમજેવાય યોજનામાં ગેરરીતિ આચરી દર્દીઓને જરૂર ન હોવા છતાં હદની સર્જરી કરી રૂ.૬ કરોડના બિલ મૂકવાના કૌભાંડ બાદ હોસ્પિટલને યોજનામાંથી અને ડો.પાર્શ્ચ વોરાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મેનેજમેન્ટે તબીબ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવ્યું છે. બીજી બાજુ સરકાર દ્રારા આ પ્રકરણમાં કાનૂની પગલાંની શકયતા પણ નકારી શકાતી નથી. ત્યારે જેસીસી હાર્ટ ઈન્સ્ટીટયુટમાં ડો.પાર્શ્ચ વોરાની સાથે તેના પરિવારજનો પણ જુદા-જુદા હોદા પર હોય ફરિયાદ સહિતની કાનૂની કાર્યવાહીની લટકતી તલવારને કારણે તબીબ અને પરિવારજનો ભૂગર્ભમાં ઉતરી ગયાનું અંગત સૂત્રોએ જણાવ્યું છે.