BREAKING NEWS

કચ્છના લખપતમાં ચાર્જિંગ માટે ચાના જગમાં રાખેલો મોબાઈલ બ્લાસ્ટ થયો, શિક્ષકનું મોત

  • October 21, 2026 01:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કચ્છના સરહદી અને છેવાડાના લખપત તાલુકાના પીપર ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક સાથે દર્દનાક દુર્ઘટના ઘટી હતી. રાત્રિના સમયે ચાર્જિંગ માટે ચાના જગમાં મૂકેલા મોબાઈલમાં અચાનક બ્લાસ્ટ થતાં ઓરડામાં આગ લાગી ગઈ હતી. આગમાં ગંભીર રીતે દાઝી ગયેલા ૩૫ વર્ષીય યુવાન શિક્ષકનું ભુજની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૂળ ખેડા જિલ્લાના વતની એવા યુવાન શિક્ષકના આકસ્મિક અવસાનથી તેમના પરિવારમાં માતમ પ્રસરી ગયો છે.


મળતી વિગતો મુજબ, મૂળ ખેડા જિલ્લાના રાહુલભાઈ શરદભાઈ વાઘેલા (ઉંમર વર્ષ ૩૫) છેલ્લા એક વર્ષથી લખપત તાલુકાના પીપર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. માત્ર એક વર્ષ પહેલાં જ તેમનાં લગ્ન થયાં હોવાથી તેઓ પોતાના પરિવાર સાથે પીપર ગામ પાસે આવેલા ત્રાંગાવ્રાઢ ખાતે શાળાના શિક્ષકો માટે ફાળવવામાં આવેલા ઓરડામાં જ રહેતા હતા. રાત્રે પણ પરિવારના તમામ સભ્યો રોજિંદા ક્રમ મુજબ ઓરડામાં સૂઈ રહ્યા હતા.


દરમિયાન મધરાત્રિના આશરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં, ચાર્જિંગ માટે ચાના જગમાં મૂકેલો મોબાઇલ અચાનક બ્લાસ્ટ થયો હતો. મોબાઇલ બ્લાસ્ટ થવાના કારણે રૂમમાં ક્ષણવારમાં જ ભીષણ આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં સૂતેલા રાહુલભાઈ ગંભીર રીતે દાઝી જતાં તેમણે દર્દના માર્યા રાડા-રાડ અને બૂમાબૂમ કરી મૂકી હતી. ધમાકાનો અવાજ અને ચીસાચીસ સાંભળીને પરિવારજનો તથા આસપાસના લોકો ત્વરિત મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને ગંભીર રીતે દાઝી ગયેલા રાહુલભાઈને તાત્કાલિક ધોરણે સારવાર માટે ભુજની કે.કે. હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.


જોકે, હોસ્પિટલમાં તબીબો દ્વારા આપવામાં આવી રહેલી સઘન સારવાર કારગત ન નીવડી અને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ કરુણ ઘટના અંગે નારાયણ સરોવર પોલીસ મથકના તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં મોબાઇલ ચાર્જિંગમાં મૂકેલો હોવાથી તે બ્લાસ્ટ થયો હોવાનું બહાર આવ્યું છે. વધુમાં, ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ એટલું તીવ્ર હતું કે ઘરની બહાર આવેલા વીજળીના થાંભલામાં પણ કાણું પડી ગયેલું જોવા મળ્યું છે.

જેથી મોબાઇલ કયાં ટેકનિકલ કારણોસર બ્લાસ્ટ થયો અને આગ લાગવાની ચોક્કસ પરિસ્થિતિ શું હતી, તે અંગે એફએસએલ અને નિષ્ણાતોની મદદથી તપાસ બાદ જ વધુ સ્પષ્ટ વિગતો સામે આવશે. હાલ પોલીસે અકસ્માતે મોતનો કેસ દર્જ કરીને આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application