BREAKING NEWS

ગુજરાત અગનભઠ્ઠી બનશે, 3 દિવસ ચાર ડિગ્રી સુધી ગરમી વધશે, અનેક જગ્યાએ 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જશે

  • April 22, 2026 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગરમીના મામલે અત્યારે રાજકોટ અમદાવાદ ગાંધીનગર અને અમરેલી સિવાયના મોટાભાગના શહેરમાં સહન કરી શકાય તેવી ગરમી છે. પરંતુ શુક્રવારથી કાળઝાળ ગરમીનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો હોવાની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં તારીખ 24થી 27 દરમિયાન મહત્તમ તાપમાનમાં ચાર ડિગ્રી જેટલો વધારો થશે અને તેના કારણે અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી જશે.


ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે ગરમીનું જોર વધારે છે સાથોસાથ ભેજનું પ્રમાણ પણ વધુ હોવાના કારણે આખો દિવસ અકળામણ અને બેચેનીનો અનુભવ લોકો કરી રહ્યા છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ સ્થિતિમાં આગામી દિવસોમાં વધારો થશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ તથા ગરમીનું પ્રમાણ એમ બંને વધી જશે.


મંગળવારે અમરેલીમાં 41.1, અમદાવાદમાં 41, રાજકોટમાં 40.7 અને ગાંધીનગરમાં 40.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. તે સિવાય સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી નીચે રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો કંડલામાં 38, પોરબંદરમાં 36 અને વેરાવળમાં 34.2 ડિગ્રી મહત્તમ તાપમાન ગઈકાલે નોંધાયું હતું. કંડલામાં આજે સવારે ભેજનું પ્રમાણે 81% પોરબંદરમાં 84 અને વેરાવળમાં ૮૬ ટકા રહ્યું છે.

ગુજરાતની સરખામણીએ દેશના અન્ય રાજ્યોમાં તો ગરમી બોકાસો બોલાવે છે. પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન ઓરિસ્સા પશ્ચિમ બંગાળ બિહાર અને વિદર્ભમાં હીટ વેવ માટેનું એલર્ટ આપવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળ તામિલનાડુ ઓડીસા આંધ્રપ્રદેશ કોકણ ગોવા અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજનો ડબલ એટેક ચાલી રહ્યો છે અને તે આગામી તારીખ 27 સુધી ચાલુ રહેશે એવું પણ એલર્ટ અપાયું છે. હરિયાણા ચંદીગઢ દિલ્હી છત્તીસગઢ અને ઓડીસામાં દિવસ તો ઠીક રાત્રિ પણ ગરમ રહે છે. ઉત્તર પ્રદેશના બાનદા શહેરમાં ગઈકાલે મહત્તમ તાપમાન 44.2 ડિગ્રી હતું જે સમગ્ર દેશમાં સૌથી વધુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application