ધ્રાંગધ્રાના કાપેલી ધાર વિસ્તારમાં શ્વાનોના હુમલાનો ભોગ બનેલા નીલગાયના બચ્ચાને ખેડૂતની સમયસૂચકતા અને વન્યજીવ પ્રેમી રેસ્ક્યુઅરોનીકામગીરીથી સલામત રીતે બચાવીને વન વિભાગને સોંપવામાં આવ્યું હતું. ધ્રાંગધ્રા તાલુકાના કાપેલી ધાર વિસ્તારની સીમમાં આવેલી મહેતા સાહેબની વાડી પાસે સાંજના સમયે વાડીમાં કામ કરી રહેલા ખેડૂતે વાડી વિસ્તારમાં કેટલાક શ્વાનોના ઝૂંડને નીલગાયના માસૂમ બચ્ચા પર હુમલો કરતા જોયા હતા.પરિસ્થિતિની ગંભીરતા સમજી તેમણે ત્વરિત જાણીતા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુઅર જયેશકુમાર ઝાલા, રવિન્દ્રસિંહકુશવંશ અને ઓમ ઝાલાનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતાજ રેસ્ક્યુ ટીમે ઘટનાસ્થળે દોડી આવી ભારે જહેમત બાદ બચ્ચાને શ્વાનોથી મુક્ત કરાવ્યું હતું.ત્યારબાદ તેને સુરક્ષિત રીતે ધ્રાંગધ્રા વન વિભાગની કચેરી ખાતે સુપ્રત કરવામાં આવ્યું હતું. ખેડૂતની સમયસૂચકતા અને જીવદયા પ્રેમીઓની કામગીરીના કારણે નિર્દોષ વન્યજીવનો જીવ બચી જતાં જીવદયાપ્રેમીઓમાં ભારે આનંદઅને ખુશીની લહેર વ્યાપી ગઈ હતી.