અમદાવાદમાં વતનથી દૂર અમેરિકાના ડલાસ ખાતે વસવાટ કરતા અશોકભાઈ ગોકળદાસ પટેલે પોતાનો 73મો જન્મદિવસ ગાંધી આશ્રમ ખાતે ખૂબ જ અનોખી અને સેવાભાવી રીતે ઉજવ્યો હતો. આ પ્રસંગે તેમણે મોંઘી હોટલો કે પાર્ટીઓ પાછળ ખર્ચ કરવાને બદલે સમાજના સાચા 'સ્ટાર્સ' ગણાતા સમાજસેવકો અને સેવા વસ્તીના કિશોર-કિશોરીઓ સાથે સમય વિતાવવાનું પસંદ કર્યું હતું.
વતનથી દૂર અમેરિકાના ડલાસ ખાતે વસવાટ હોવા છતાં ગુજરાતની માટી અને માનવસેવા સાથેનો નાતો જાળવી રાખનાર શ્રી અશોકભાઈ ગોકળદાસ પટેલના 73મા જન્મદિવસની અનોખી અને સેવાભાવી ઉજવણી આજે અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમ ખાતે કરવામાં આવી હતી. જન્મદિવસની ઉજવણીને માત્ર વ્યક્તિગત પ્રસંગ પૂરતી મર્યાદિત ન રાખી, ગાંધીજીના વિચારો, માનવસેવા અને સામાજિક સમરસતાના સંદેશ સાથે જોડવામાં આવી હતી. સેવા વસ્તીના કિશોર-કિશોરીઓ સાથે પોતાનો જન્મદિવસ તેમણે યાદગાર બનાવ્યો. સાથોસાથ તેમણે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવી દરિદ્ર નારાયણની સેવા પણ કરી હતી. કાર્યક્રમનો પ્રારંભ શ્રી અશોકભાઈના આગમન અને સ્વાગતથી થયો હતો. ત્યારબાદ શ્રી રેમશભાઈ બારોટે પ્રાર્થના તથા ગાંધી ભજનોની સુરાવલી દ્વારા સમગ્ર વાતાવરણ ગાંધીમય બનાવ્યું હતું.
આ પ્રસંગે જાણીતા લેખક અને પત્રકાર શ્રી રમેશભાઈ તન્નાએ ‘ગાંધીજીના જીવનના પ્રેરક પ્રસંગો’ વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે મહાત્મા ગાંધીજીના જીવનના વિવિધ પ્રેરણાદાયી પ્રસંગો દ્વારા સત્ય, અહિંસા, સેવા અને માનવતાના મૂલ્યોને જીવનમાં ઉતારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ખાસ કરીને ગાંધીજીના ધર્મપત્ની કસ્તુરબા સાથેના રોચક અને પ્રેરક પ્રસંગોની રાજુઆતથી ઉપસ્થિત સૌ મંત્રમુગ્ધ બની ગયા હતા.
આ પ્રસંગે શ્રી અશોકભાઈ ગોકળદાસ પટેલે જણાવ્યું હતું કે, “વતનથી ગમે તેટલો દૂર રહું, પરંતુ મારું હૃદય હંમેશાં ગુજરાતની માટીમાં જ ધબકે છે.” તેમણે પોતાના જન્મદિવસ નિમિત્તે મળેલી શુભેચ્છાઓ બદલ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેમના પૂજ્ય પિતા ગોકળદાસભાઈએ તેમને વતનની માટી અને માનવસેવાના જે સંસ્કાર આપ્યા છે તે તેમના જીવનની અમૂલ્ય મૂડી છે. જન્મદિવસની ઉજવણી માટે ગાંધી આશ્રમથી શ્રેષ્ઠ સ્થળ ન હોઈ શકે એમ જણાવતા તેમણે ઉમેર્યું કે આ પવિત્ર સ્થાન સાથે હવે પેઢીઓનો નાતો જોડાઈ ગયો છે. માત્ર અશોકભાઈ જ નહીં સમગ્ર બૃહદ ગોકળદાસ પરિવારનો ગાંધીઆશ્રમ સાથે આવો જ નાતો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમના પિતા ગોકળદાસભાઈને પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને વિચારો સાથે જોડાવાનો અવસર મળ્યો હતો. ગાંધીજીના પ્રયાસોથી જ પિતાજીને સ્કોલરશીપ મળી અને તેઓ ઉચ્ચ અભ્યાસ કરી શક્યા. યુવાન વયે જ તેમણે ગાંધીજી અને સરદાર સાહેબ સાથે માતૃભૂમિની સ્વાધીનતાના જંગમાં જંપલાવ્યું હતું. આઝાદી બાદ પણ તેઓ શિક્ષણ અને સમાજ સુધારણા માટે પ્રવૃત્ત રહ્યા હતાં. જો ગાંધીજી ન હોત તો આજે તેમનો પરિવાર આટલો સુખી અને સમૃદ્ધ ન હોત. એમ અશોકભાઈએ જણાવ્યું હતું.
આ તકે માતા લલિતાબહેનના યોગદાનનું પણ પુણ્ય સ્મરણ કરતા અશોકભાઈએ જણાવ્યું હતું કે, તેઓ એ સમયના જાગૃત અને સશક્ત નારી હતા. આઝાદીની લડાઈમાં મહિલાઓને જોડવા તથા મહિલા મોરચાનું નેતૃત્વ લેવામાં પણ તેઓ અગ્રેસર હતા. સામાજિક સુધારાઓના હિમાયતી લલિતાબહેને સીંચેલા સંસ્કારોની અનેરી છાપ સમગ્ર પરિવાર પર દેખાય છે. ગાંધી આશ્રમ સાથે જોડાયેલી આ સ્મૃતિઓને જીવંત રાખવા અને પિતૃઋણ અદા કરવાના ભાવ સાથે આજે ગાંધી આશ્રમ ખાતે અનાથ બાળકો વચ્ચે સમય વિતાવવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર આયોજનમાં ગાંધીજીના સત્ય, અહિંસા, સેવા અને સમરસતાના વિચારોને જીવનમાં ઉતારવાનો સંદેશ પ્રબળ રીતે વ્યક્ત થયો હતો. જન્મદિવસની ઉજવણીને સેવાકાર્ય સાથે સાંકળી શ્રી અશોકભાઈ પટેલે સમાજમાં માનવતા અને પરોપકારની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો. તથા તેમને જણાવ્યું હતું કે જન્મદિવસની ઉજવણીનો આવો આનંદ ફાઈવસ્ટાર હોટેલોમા યોજાતી પાર્ટીઓમાં ક્યારેય ન આવે. અહીં થયેલી આ પ્રકારની ઉજવણી જન્મદિવસને સાર્થક બનાવે છે.