રાજકોટ મહાનગરપાલિકા તંત્ર આગામી તા.૭ ડિસેમ્બર ૨૦૨૫થી તા.૨૬ જાન્યુઆરી ૨૦૨૬ સુધી લગાતાર કાર્યક્રમો અને ઉત્સવોની વણઝાર ચાલુ રહે તેવી સ્થિતિ નિર્માણ થઇ છે. હાલમાં અધિકારીઓથી લઇને પદાધિકારીઓ સહિતના સૌ કોઇ કાર્યક્રમોના આયોજનની તડામાર તૈયારીમાં વ્યસ્ત બની ગયા છે.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, તા.૭ ડિસેમ્બરે એર શો, તા.૮ અને ૯ જાન્યુઆરીએ વાઈબ્રન્ટ ગુજરાતની સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ સમિટ, તા. જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, તા.૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત મ્યુઝિકલ નાઇટ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. તદઉપરાંત ચૂંટણી વર્ષમાં બજેટમાં દર્શાવેલા વિકાસકામોના પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહ સહિતના અનેક કાર્યક્રમો ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના દરમિયાન યોજાશે.
મનપા અને રૂડાનું બજેટ ફેબ્રુઆરીમાં
બે મહિના માસમાં લગાતાર ઉત્સવો અને કાર્યક્રમો હોય તેમજ મોટાભાગનો સ્ટાફ હાલ મતદાર યાદીના એસઆઈઆરની કામગીરીમાં વ્યસ્ત હોય આ વર્ષે મનપા અને રૂડાનું બજેટ જાન્યુઆરીના બદલે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં રજૂ થાય તેવી સંભાવના હોવાની મ્યુનિ.વર્તુળોમાં ચર્ચા છે.
વાઇબ્રન્ટમાં મનપા-રૂડા ઉપર મોટી આશા
રાજકોટમાં તા.૮ અને ૯ જાન્યુઆરીના યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાતની સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ સમિટને સફળ બનાવવા મનપા અને રૂડા ઉપર મોટી આશા સાથે ઘણી અપેક્ષા રાખવામાં આવી છે, વાઇબ્રન્ટ સમિટમાં થતા એમઓયુમાં મનપા અને રૂડાની પ્રતિ વર્ષ વિશેષ ભૂમિકા રહેતી હોય છે.