BREAKING NEWS

ગોંડલમાં ગોડાઉનમાંથી ડુપ્લીકેટ ફેવિકવીકનો જથ્થો ઝડપાયો

  • February 03, 2026 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલમાં ઉદ્યોગનગરમાં આવેલી એચ.પી.ટ્રેડ નામની કંપની જે સાબુ,કોસ્મેટિક આઈટમો રિટેલ તથા હોલસેલમાં વેપાર કરતી હોય જ્યાં ડુપ્લીકેટ ફેવિકવિકનું વેચાણ થતું હોય જેથી કંપીનીના ગોડાઉનમાં દરોડો પાડી આ અંગે કોપી રાઈટ એકટનો ગુનો નોંધવામાં આવ્યો છે. કંપનીના અધિકારીઓ પોલીસને સાથે રાખી ગોડાઉનમાં તપાસ કરતા 3,612 નંગ ડુપ્લીકેટ ફેવિકવિકનો જથ્થો મળી આવ્યો હતો.

અમદાવાદમાં પાલડી વિસ્તારમાં નારાયણનગરમાં રહેતા ભુષણ મહેન્દ્રભાઈ દાની(ઉ.વ 36) દ્વારા ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલમાં જીવરાજ પાર્ક નંબર 1 ગુંદાળા ચોકડી પાસે રહેતા વેપારી પ્રશાંત ઉર્ફે પીન્ટુ રમેશભાઈ કણસાગરા (ઉ.વ 37) નું નામ આપ્યું છે.
ફરિયાદી ભૂષણભાઈએ જણાવ્યું હતું કે તેઓ પીડીલાઈટ લિ. નામની કંપનીમાં ઓથોરાઈઝ પર્સન તરીકે છેલ્લા દોઢેક વર્ષથી નોકરી કરે છે તેઓની કંપનીના વન ડ્રોપ ઇન્સ્ટન્ટ અધેસિવ ફેવિકવિક પ્રોડક્ટનું કોઈ ડુપ્લીકેટ કરી બજારમાં વેચાણ કરે તો કોપીરાઇટ એકટ મુજબ કાર્યવાહી કરવા પાવર ઓફ એટર્ની આપી છે.
દરમિયાન એવી માહિતી મળી હતી કે, ગોંડલમાં ક્રિષ્ના વે-બ્રિજ સામે મંગળેશ્વર આઈસ્ક્રીમવાળી શેરી ઉદ્યોગનગરમાં આવેલા એચ.પી. ટ્રેડમાં સાબુ, શેમ્પૂ તથા કોસ્મેટિક આઈટમોના રિટેલ તથા હોલસેલ વેપારી દ્વારા પીડીલાઈટ લિમિટેડ કંપનીના ડુપ્લીકેટ વન ડ્રોપ ઇન્સ્ટન્ટ અધેસિવ ફેવિકવિક પ્રોડક્ટનું મોટાપાયે વેચાણ થઈ રહ્યું છે. જેથી આ અંગે તેમણે રાજકોટ એસ.પી અને ગોંડલ બી ડિવિઝન ખાતે અરજી આપ્યા બાદ પોલીસને સાથે રાખી અહીં ગોંડલમાં ઉદ્યોગનગરમાં આવેલ એચ.પી ટ્રેડ કંપનીના ગોડાઉનમાં તપાસ કરતા અહીંથી પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીની ફેવીક્વીક નંગ 3612 મળી આવી હતી. જેમાં આગળ પીળા તથા વાદળી કલરનું તથા પાછળના ભાગે સિલ્વર કલરનું પ્લાસ્ટિક કવર છે. જે કવર ઉપર જોતા આગળના ભાગે વન ડ્રોપ ઇન્સ્ટન્ટ અધેસિવ ફેવિકવિક
લખેલું છે આમ અહીંથી કુલ રૂપિયા 18,060 ની કિંમતનો 3612 નંગ ડુપ્લીકેટ માલ પોલીસે કબજે કરી ફરિયાદીની ફરિયાદ પરથી વેપારી પ્રશાંત ઉર્ફે પીન્ટુ કણસાગરા સામે કોપીરાઇટ એકટના કાયદાની કલમોનો ભંગ કર્યા અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


સૌરાષ્ટ્રભરમાં ડુપ્લીકેટ માલ સપ્લાય થતો હતો
ફરીયાદી ભૂષણભાઈએ જણાવ્યું હતું કે, જેની સામે કોપીરાઇટ એકટનો ગુનો નોંધવામાં આવ્યો છે તે પ્રશાંત ઉર્ફે પીન્ટુ ગોંડલ ઉપરાંત સૌરાષ્ટ્રભરના તેમની ફેવિકવિક પ્રોડક્ટનો ડુપ્લીકેટ માલ સપ્લાય કરતો હતો.જેમાં રાજકોટ,શાપર, જુનાગઢ સહિતના સ્થળોએ તે આ ડુપ્લીકેટ માલનો જથ્થો ઓર્ડર મુજબ સપ્લાય કરતો હોવાનું માલુમ પડ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application