પ્રથમ ગ્રાસે મક્ષિકા, નૂતન વર્ષના પ્રારંભે ડામરકામના ખાતમુહૂર્ત પૂર્વે વરસાદ ખાબક્યો, ડામર પ્લાન્ટ બંધ કરાયા: વેસ્ટ ઝોનમાં ૧૬ મીમી, સેન્ટ્રલમાં ૮ મીમી અને ઇસ્ટ ઝોનમાં ૩ મીમી વરસાદ નોંધાયો
રાજકોટ શહેરમાં ગત રાત્રીથી ઝરમર વરસાદ શરૂ થયો હતો જે આજે બપોર સુધી ચાલુ રહેતા પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો. દરમિયાન સમગ્ર શહેરમાં લાભ પાંચમથી શરૂ થતા ડામર રસ્તાના કામો હાલ સંપૂર્ણ ઠપ્પ થઇ ગયા છે અને હજુ ત્રણ ચાર દિવસ સુધીમાં કામ શરૂ થાય તેવી શક્યતા પણ નથી.
વિશેષમાં મ્યુનિ.ઇજનેરી સૂત્રોએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારો સુધી રસ્તાઓ ઉપરના ખાડાઓનું પેચવર્ક અને રિપેરિંગ પૂર્ણ થયા બાદ લાભપાંચમથી તમામ વોર્ડમાં એક સાથે ડામર કામ શરૂ કરવામાં આવનાર હતું પરંતુ માવઠાએ મજા બગાડી છે અને ધીમી ધારે સતત ચાલુ રહેલા વરસાદને કારણે ડામર પ્લાન્ટ બંધ કરવા પડ્યા છે તેમજ રસ્તા પણ ભીના હોય હવે વરસાદ બંધ થાય અને સૂર્યપ્રકાશ નીકળે ત્યાં સુધી રાહ જોવી પડશે. જ્યાં સુધી વાતાવરણ સ્વચ્છ ન થાય ત્યાં સુધી રસ્તા કામ શરૂ કરી શકાય તેવી કોઇ શક્યતા નથી.
દરમિયાન રાજકોટ મહાપાલિકાના ફાયર બ્રિગેડ કન્ટ્રોલ રૂમના સૂત્રોના જણાવ્યા મુજબ, ગત રાત્રીથી આજે બપોરે સુધીમાં વેસ્ટ ઝોનમાં ૧૬ મીમી, સેન્ટ્રલ ઝોનમાં આઠ મીમી અને ઇસ્ટ ઝોનમાં ત્રણ મીમી વરસાદ નોંધાયો છે.
હજુ પણ આગામી ત્રણથી ચાર દિવસ સુધી વરસાદની આગાહી હોય ફાયર બ્રિગેડ સહિત મહાપાલિકાના સમગ્ર સ્ટાફને એલર્ટ રહેવા આદેશ જારી કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.