શહેરના ગોંડલ રોડ પર પુનિતનગરમાં રહેતા પેંડા ગેંગના સાગરીત યસ ઠુંડી રસિકભાઈ બકરાણીયાએ જૂની અદાવત સબબ નવલનગર 9 ના છેડે રહેતા ભાજપના યુવા આગેવાનની કાર સહિત ત્રણ વાહનોને આગ ચાપી દીધી હતી. જે અંગે માલવયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આરોપીને ઝડપી લીધા બાદ સમી સાંજના આરોપીને બનાવસ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
જાણવા મળતી વિગતો મુજબ, નવલનગર-૯ માં રહેતા ભરતભાઈ સિંધવ(ઉ.વ. ૪૦) દ્વારા માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે, યસ વિરૂદ્ધ 2024 ની સાલમાં અરજી કરી હતી જેનો ખાર રાખી ગોકુલધામના ગેટ પાસે તેની સાથે ઝઘડો થયો હતો. બાદમાં આ બાબતનો ખાર રાખી તેમના ઘર પાસે પાર્ક કરેલી સ્વીફટ કાર, એકટિવા અને ઈલેક્ટ્રીક બાઈકમાં આગ લગાડી દીધી હતી. જે અંગે પાડોશીએ જાણ કરતા ફાયર બ્રિગેડને બોલાવી આગ બુજાવી હતી.
બનાવ અંગે માલવીયાનગર પોલીસ મથકના પી.આઈ જે.આર. દેસાઈની રાહબરીમાં પી.એસ.આઇ.ડી.એસ.ગજેરા તથા ટીમે આરોપી યસ ઉર્ફે ઠુંડીને ઝડપી લીધા બાદ ગઈકાલ સાંજના તેને બનાવસ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્ટ્રક્શન- પંચનામુ કરવામાં આવ્યું હતું. પોલીસે આરોપીની આકરી સરભરા કરી તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.