BREAKING NEWS

ભગવાન આવો દી' કોઈને ન દેખાડે...બે પુત્રો ગુમાવ્યા પછી ત્રીજા દીકરાને હાર્ટ એટેક ભરખી ગયો, ઘરનો છેલ્લો કુલદીપક બુઝાતા માતાનું આક્રંદ

  • January 27, 2026 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેક અને અચાનક મૃત્યુના બનાવોમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. રોજિંદા જીવનની દોડધામ અને તણાવ વચ્ચે આજે વધુ એક હૃદયદ્રાવક બનાવ શહેરના રાજમહેલ રોડ પર સામે આવ્યો, જ્યાં રીક્ષા ચલાવી રહેલા એક યુવકને અચાનક હાર્ટ એટેક આવતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.


ડ્રાઈવર સીટ પર જ ઢળી પડ્યા 

મળતી માહિતી અનુસાર, મૃતકની ઓળખ શૈલેષભાઈ મનસુખભાઈ મીઠાપરા (ઉંમર ૪૫) તરીકે થઈ છે. તેઓ વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા વિશાલ નગરના રહેવાસી હતા. શૈલેષભાઈ વ્યવસાયે રીક્ષાચાલક હતા અને રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આજે રોજની જેમ તેઓ રીક્ષા ચલાવી રહ્યા હતા ત્યારે રાજમહેલ રોડ પર અચાનક તેમને ચક્કર આવ્યા અને તેઓ ડ્રાઈવર સીટ પર જ ઢળી પડ્યા હતા.


શોકનો માહોલ છવાઈ ગયો

સ્થળ પર હાજર લોકોએ તાત્કાલિક મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હૃદયરોગનો ગંભીર હુમલો આવતાં શૈલેષભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ અચાનક બનાવને કારણે રાજમહેલ રોડ વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરી અને શોકનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં નવાપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈને વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલુ રાખવામાં આવી છે.


માતાનું આક્રંદ જોઈને હાજર લોકોની આંખોમાં પણ આંસુ આવી ગયા

આ ઘટનાની સૌથી કરૂણ બાબત એ છે કે શૈલેષભાઈ તેમના ગરીબ માતાના ત્રીજા પુત્ર હતા. અગાઉ તેમના બે પુત્રોનું પણ અવસાન થઈ ચૂક્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘરના છેલ્લાં કુલદીપક સમાન દીકરાનું અચાનક મોત થતાં માતા ઘટનાસ્થળે પહોંચીને પુત્રના મૃતદેહને જોઈને ભાંગી પડી હતી. માતાનું આક્રંદ જોઈને હાજર લોકોની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. આ બનાવે ફરી એકવાર શહેરમાં વધતા હાર્ટ એટેકના બનાવો અંગે ચિંતાનો વિષય ઉભો કર્યો છે અને એક ગરીબ પરિવારનું સર્વસ્વ છિનવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application