અઢી કરોડ પગાર, કામ બિલકુલ નહીં કર્મચારીને આ નોકરીથી પસ્તાવો થયો
અઢી કરોડ પગાર, કામ બિલકુલ નહીં કર્મચારીને આ નોકરીથી પસ્તાવો થયો
October 19, 2026 11:03 AM
દર વર્ષે અઢી કરોડ રૂપિયાથી વધારે પગાર મળતો હોય અને ઓફિસમાં કોઈ કામ જ કરવાનું ન હોય તો આવી નોકરી મેળવવા માટે અનેક લોકો તૈયાર થઈ જાય, પરંતુ અમેરિકાની એક મોટી ટેક્નોલોજી કંપનીના કર્મચારી માટે આ સ્થિતિ મુશ્કેલી બની ગઈ. લગભગ બે વર્ષ સુધી કોઈ કામ ન મળતાં તેમને પોતાની કારકિર્દી બગડવાની ચિંતા થવા લાગી હતી.રેડિટ ઉપર પોતાનો અનુભવ જણાવનાર કર્મચારીએ કહ્યું કે તેઓ દસ વર્ષથી એક મોટી ટેક કંપનીમાં નોકરી કરતા હતા. પાંચ જુદી જુદી જવાબદારીઓ સંભાળ્યા પછી ૨૦૨૫ની શરૂઆતમાં નવી ટીમમાં જોડાયા હતા. પરંતુ પહેલા જ દિવસે કંપનીમાં મોટો ફેરફાર થયો અને તેમને નવી ટીમમાં લાવનાર મેનેજર તથા ડિરેક્ટરને દૂર કરવામાં આવ્યા.ત્યારબાદ કંપનીએ તેમને કોઈ ચોક્કસ કામ સોંપ્યું નહીં. તેમ છતાં વર્ષે ૨ લાખ ૭૫ હજાર ડોલર, એટલે કે અંદાજે રૂ. ૨.૬ કરોડનો પગાર મળતો રહ્યો. તેઓ ઓફિસમાં યુટ્યુબ અને નેટફ્લિક્સ જોઈને સમય પસાર કરતા, રેસ્ટોરાંમાં જતા અને મેનહટનના રસ્તાઓ ઉપર ફરતા રહેતા.શરૂઆતમાં આ સ્થિતિ આરામદાયક લાગી, પરંતુ પછી કામ વગર પગાર મેળવવાનો અપરાધભાવ સતાવવા લાગ્યો. પોતાની કુશળતા ઘટી રહી હોવાની ચિંતા પણ વધી. વારંવાર વિનંતી કરવા છતાં કોઈ કામ ન મળતાં તેમણે બીજી જવાબદારી મેળવવાના પ્રયાસ શરૂ કર્યા. આખરે છ મહિના સુધી ઇન્ટરવ્યૂ આપ્યા પછી એ જ કંપનીમાં નવી ભૂમિકા મળી. જોકે લાંબા સમય સુધી નિષ્ક્રિય રહેવાના કારણે ફરી કામ શરૂ કરવામાં મુશ્કેલી પડી હતી.