BREAKING NEWS

અમદાવાદમાં ટેક્સટાઇલ મિલમાંથી કાળાબજારી કરી સબસીડીવાળા યુરિયા ખાતરનું કૌભાંડ મળ્યું

  • October 12, 2026 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી કાજલ ટેક્સટાઇલ્સ મીલમાં ખેડૂતો માટે આવતા સબસીડીવાળા નીમ કોટેડ યુરિયા ખાતરનો ગેરકાયદેસર ઔદ્યોગિક વપરાશ અને કાળાબજારી થતી હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. ચોક્કસ બાતમીના આધારે નારોલ પોલીસે કંપનીના ગોડાઉનમાં અચાનક દરોડો પાડીને ખેતી માટે વપરાતા યુરિયા ખાતરની ૧૧૯ ભરેલી બોરીઓ તથા ૧૬ ખાલી થેલીઓ જપ્ત કરી છે. ખેડૂતોના હકના ખાતરનો ગેરકાયદેસર સંગ્રહ કરવા બદલ ખેતી અધિકારી દ્વારા કંપનીના માલિક અને મેનેજર સામે કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે.મળતી વિગતો અનુસાર, ગત બાવીસમી સપ્ટેમ્બરના રોજ નારોલ પોલીસને પીપળજ-પીરાણા રોડ પર સ્થિત 'કાજલ ટેક્સટાઇલ્સ મીલ પ્રા. લી.' માં સબસીડીવાળા યુરિયા ખાતરનો ગેરકાયદેસર જથ્થો હોવાની છુપી બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્થળ પર કંપનીના મેનેજર જુબેર મહેબુ પાલીવાલા હાજર મળી આવ્યા હતા. ગોડાઉનની સઘન તલાસી લેતાં અંદરથી 'પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના' હેઠળ માત્ર ખેતીવાડી હેતુ માટે ફાળવવામાં આવતા સબસીડીવાળા નીમ કોટેડ યુરિયાની ૧૧૯ ભરેલી ગોણીઓ અને ૧૬ ખાલી થેલીઓ મળી આવી હતી.સરકારી નીમ કોટેડ યુરિયા ખાતરનો આટલો મોટો જથ્થો ગોડાઉનમાં રાખવા અંગે મેનેજર પાસે કોઈ માન્ય આધાર-પુરાવા કે બિલ ન હતા. પોલીસે કડક પૂછપરછ કરતાં મેનેજર જુબેરે કબૂલાત કરી હતી કે આ ખાતરનો જથ્થો કંપનીના માલિક ઐયુબભાઈ ઇકબાલભાઈ સુરતીના કહેવાથી જ મંગાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા સબસીડીયુક્ત યુરિયા ખાતર માત્ર ખેડૂતોને જ આપાવમાં આવે છે અને તેનો કોઈપણ પ્રકારનો ઔદ્યોગિક કે વ્યાવસાયિક ઉપયોગ કરવો કાયદાકીય ગુનો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application