રામનગરી અયોધ્યામાં આ વર્ષની દિવાળી અને દીપોત્સવને વધુ ભવ્ય બનાવવા માટે આકાશમાં ૨૧૦૦ સ્વદેશી ડ્રોન દ્વારા રામાયણ આધારિત વિશાળ એરિયલ શો યોજવાની તૈયારી કરવામાં આવી છે. ૭ નવેમ્બરે યોજાનારો આ કાર્યક્રમ અયોધ્યા દીપોત્સવનું દસમું સંસ્કરણ હશે. સરયૂના ઘાટો પર લાખો માટીના દીવા પ્રગટાવવાની સાથે ૨૧૪૭ લોકો સામૂહિક સરયૂ આરતીમાં ભાગ લેશે.
ડ્રોન શો માટે સ્વદેશી ટેક્નોલોજીથી બનેલા ૨૧૦૦ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. આકાશમાં પ્રકાશ અને ગતિ દ્વારા રામાયણનાં વિવિધ પ્રસંગો, પ્રતીકો અને આકૃતિઓ રજૂ કરવામાં આવશે. અયોધ્યાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ટેક્નોલોજીનો આ અત્યાર સુધીનો સૌથી મોટો ઉપયોગ ગણાવવામાં આવી રહ્યો છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તૈયારીની સમીક્ષા કરીને અધિકારીઓને રામ કી પૈડી સહિત સમગ્ર અયોધ્યાને ગયા વર્ષ કરતાં પણ વધુ ભવ્ય રીતે સજાવવાની સૂચના આપી છે. દીપોત્સવની શરૂઆત ૨૦૧૭માં થઈ હતી અને ત્યારથી દર વર્ષે દીવા પ્રગટાવવાના નવા વિક્રમ તથા મોટા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી છે.
આ વર્ષે કાર્યક્રમ ત્રણ તબક્કામાં યોજાવાનો છે. તેમાં રામાયણ આધારિત ઝાંખીઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ભરત મિલાપ, શ્રીરામના રાજ્યાભિષેકનું મંચન અને સરયૂ આરતીનો સમાવેશ થશે. વિવિધ રાજ્યો તથા દેશોમાંથી આવનારા કલાકારોને પણ કાર્યક્રમમાં જોડવાની યોજના છે.
સરયૂ કિનારે ઘાટોને લાખો દીવાઓથી પ્રકાશિત કરવા માટે મોટી સંખ્યામાં સ્વયંસેવકો તૈનાત થશે. ગયા વર્ષોની જેમ દીવાઓની ગણતરી અને વિશ્વવિક્રમ માટેની પ્રક્રિયા પણ કરવામાં આવી શકે છે. સુરક્ષા, ટ્રાફિક અને લાખો શ્રદ્ધાળુઓની અવરજવર માટે અલગ વ્યવસ્થા ગોઠવાઈ રહી છે.
રામમંદિરના નિર્માણ પછી અયોધ્યામાં આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની સંખ્યા અનેકગણી વધી છે. આથી આ વખતનો દીપોત્સવ માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ પ્રવાસન અને ઉત્તર પ્રદેશની સાંસ્કૃતિક ઓળખ માટે પણ મહત્વનો બનશે. પરંપરાગત દીવા અને અત્યાધુનિક ડ્રોન ટેક્નોલોજીનું સંયોજન આ વખતના કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે.