ગુજરાત સરકારે પોલીસને જનરક્ષક 112 ગાડીઓ ફાળવી છે. પરંતુ ગઈકાલે રાત્રે અમદાવાદમાં આ જ જનરક્ષક ગાડી માતેલા સાંઢની જેમ જનતાની ગાડીને ધડાકાભેર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, જે ગાડી સાથે પોલીસની ગાડી ટકરાઈ તે ગાડી 10 ફૂટ સુધી દૂર ધકેલી દીધી હતી.
મળતી માહિતી મુજબ, અમદાવાદના ગોતા વિસ્તારમાં વંદે માતરમ રોડ પર આવેલા સાયોના તિલક નજીક રાત્રે અકસ્માત સર્જાયો હતો. અહીં રોડ સાઈડમાં પાર્ક કરેલી કારને પાછળથી પોલીસની 112 જનરક્ષક ગાડીએ જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે એકત્ર થયેલા સ્થાનિક લોકોએ ડ્રાઈવર પર નશાની હાલતમાં હોવાનો આક્ષેપ કર્યો હતો.
પોલીસની ગાડીમાંથી સીરપની એક બોટલ મળી
આ અકસ્માત થતાંની સાથે જ સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. સ્થાનિક લોકોએ જ્યારે 112 જનરક્ષક ગાડીની અંદર તપાસ કરી, ત્યારે ગાડીમાંથી તૂટેલી હાલતમાં સીરપની એક બોટલ મળી આવી હતી, જેને કારણે ડ્રાઇવર નશામાં હોવાની આશંકા વધુ મજબૂત બની હતી. સ્થાનિકોએ દાવો કર્યો છે કે, પોલીસની ગાડીનો ડ્રાઇવર નશાની હાલતમાં હતો, જેના કારણે આ અકસ્માત સર્જાયો.
સોલા પોલીસને જાણ કરવામાં આવી
બનાવની જાણ થતાં જ એ ડિવિઝન ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર, અકસ્માત કરનાર પોલીસ ડ્રાઇવરને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યો છે. કારમાંથી જે સીરપની બોટલ મળી આવી છે, તે મામલે સોલા પોલીસને જાણ કરવામાં આવી છે. સોલા પોલીસ આ સીરપની બોટલ કયા પ્રકારની છે અને કયા કારણોસર ગાડીમાં હતી, તે અંગે તપાસ કરશે.
ઉલ્લેખનીય છે કે, પોલીસના જ વાહન દ્વારા અકસ્માત સર્જાતા અને તેમાં નશાના પદાર્થની શંકાસ્પદ બોટલ મળી આવતા, આ મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.