રાજકોટ શહેરમાં વીજ બિલની લાંબા સમયથી બાકી રહેતી રકમની વસૂલાત માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) દ્વારા મંગળવાર તા. ૨૯ સપ્ટેમ્બરના રોજ શહેરના તમામ સબ ડિવિઝન વિસ્તારમાં એકસાથે ‘ડિસકનેક્શન ડ્રાઇવ’ હાથ ધરવામાં આવનાર છે. સિટી સર્કલ હેઠળના ૨૨ સબ ડિવિઝનમાં ચાલનારી આ ઝુંબેશમાં ૨૦૦૦થી વધુ વીજ કર્મચારીઓ અને અધિકારીઓને કામગીરીમાં જોડવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ સિટી સર્કલ હેઠળ અંદાજે ૧.૮૦ લાખ જેટલા વીજ ગ્રાહકો પાસેથી રૂ.૩૬.૫૬ કરોડની વીજ બિલની રકમ વસૂલવાની બાકી છે. ખાસ કરીને લાંબા સમયથી વીજ બિલ નહીં ભરનારા ગ્રાહકો સામે મંગળવારે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને બાકીદારોના વીજ જોડાણો કાપી નાખવામાં આવશે.પીજીવીસીએલ દ્વારા જાહેર કરાયેલા સંદેશ મુજબ, બાકી વીજ બિલની રકમ વસૂલવા માટે સ્થળ પર જ કોઈ પ્રકારની પેમેન્ટ સ્વીકારવામાં આવશે નહીં. બાકીદાર ગ્રાહકોએ પોતાનું વીજ બિલ સંબંધિત સબ ડિવિઝન કચેરી ખાતે અથવા ઓનલાઇન માધ્યમથી ભરપાઇ કરવાનું રહેશે. ઝુંબેશ દરમિયાન મોટી સંખ્યામાં જોડાણો કાપવાની કામગીરી હાથ ધરાનાર હોવાથી સબ ડિવિઝન કચેરીઓ ખાતે વધારાના વસૂલાત કાઉન્ટર શરૂ કરવા માટેની તૈયારીઓ પણ હાથ ધરાઈ રહી છે.પીજીવીસીએલના આ અભિયાનનો મુખ્ય હેતુ લાંબા સમયથી પડતર વીજ બિલની વસૂલાત કરી વીજ કંપનીની બાકી રકમ ઘટાડવાનો છે. ગ્રાહકોને પણ ડિસકનેક્શનથી બચવા માટે તા. ૨૯ પહેલાં જ બાકી બિલની રકમ ભરપાઇ કરી દેવા અપીલ કરવામાં આવી છે.