BREAKING NEWS

પ્રથમ નવરાત્રિએ માં ચામુંડાના દર્શને ઉમટ્યો આસ્થાનો ઘૂઘવાટ

  • October 12, 2026 09:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શક્તિ, ભક્તિ અને આસ્થાના પવિત્ર ધામ ચોટીલા ખાતે નવરાત્રિના પ્રારંભે જ માં ચામુંડાના દર્શનાર્થે ભાવિકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. લાખો શ્રદ્ધાળુઓની કુળદેવી મા ચામુંડાના પ્રથમ નવરાત્રિના દર્શન કરવા વહેલી સવારથી જ નહીં, પરંતુ મધરાતથી જ ચોટીલા તળેટી ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. વહેલી સવારે ચાર વાગ્યે ડુંગરના ગેટ ખુલતાં જ ભાવિકોમાં માતાજીનાં દર્શન માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
નવરાત્રિ પર્વને લઈને ચોટીલા તળેટી વિસ્તાર, ડુંગર તથા મંદિરને રંગબેરંગી લાઈટો અને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યાં છે. સમગ્ર ધામમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે મા ચામુંડાના જયઘોષ ગુંજી ઊઠ્યા હતા. પ્રથમ નવરાત્રિના પાવન અવસરે સવારે શુભ મુહૂર્તે મહંત પરિવાર દ્વારા પરંપરાગત ઘંટ-કળશ સ્થાપના કરવામાં આવી હતી તેમજ માતાજીની પ્રતિમાને વિશેષ  શણગાર કરવામાં આવ્યો હતો.
રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવેલા હજારો ભાવિકોએ મા ચામુંડાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. માતાજીનાં દર્શન માટે તળેટીથી લઈને ડુંગર સુધી ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો હતો. નવરાત્રિના પ્રથમ દિવસે જ ભાવિકોની ભારે અવરજવરને પગલે ચોટીલા ધામમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો.
નવરાત્રિના નવ દિવસ દરમિયાન મા ચામુંડાને નવ અલગ-અલગ સ્વરૂપ દર્શાવતો વિશેષ આભુષણો અને વસ્ત્રો આદીનો શણગાર કરવામાં આવ છે. જેમા માતાજીના દરરોજ અલગ અલગ સ્વરૂપો ને અનુરૂપ પરિધાન અને સાજ શણગાર કરાય છે.
આ પવિત્ર પર્વ દરમિયાન ચોટીલા ડુંગર પર ભક્તિ, શક્તિ અને આરાધનાનો ત્રિવેણી સંગમ જોવા મળશે. પ્રથમ નવરાત્રી અને રવીવાર ને કારણે ભક્તોની અખૂટ શ્રદ્ધા અને માતાજી પ્રત્યેની અતૂટ આસ્થાનો મહાસાગર ઉમટ્યો હતો. અનેક ભક્તોએ પોતાની ભાવના જુદી જુદી રીતે માતાજી ના દ્વારે વ્યક્ત કરી ચોટીલા ચામુંડા ધામને ભક્તિમય બનાવી દીધું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application