ઇસ્લામિક દેશ ઈરાનમાં ભયંકર દુષ્કાળનો સામનો કરી રહ્યો છે. રાષ્ટ્રપતિએ તો ત્યાં સુધી કહ્યું કે જો સ્થિતિ કાબુમાં નહી આવે તો રાજધાની ખાલી કરાવવી પડી શકે છે તો બીજી તરફ આ મુદે રાજકારણ પણ ગરમાયું છે અને સાંસદે આવું થવા પાછળ મહિલાઓને દોષી ઠેરવી છે અને કહ્યું કે મહિલાઓ હિજાબ પહેરતી નથી એટલે જ દુષ્કાળ પડ્યો.
રાજધાની તેહરાનમાં ઓછો વરસાદ પડ્યો છે, અને મોટાભાગના જળાશયો સુકાઈ ગયા છે. કટોકટી વધુ વણસી છે, અધિકારીઓએ નાગરિકોને પાણી બચાવવા વિનંતી કરી છે. બીબીસીના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને ચેતવણી આપી છે કે જો પૂરતો વરસાદ ટૂંક સમયમાં નહીં પડે, તો તેહરાનનો પાણી પુરવઠો મર્યાદિત થઈ શકે છે. જો કે, તેમણે ઉમેર્યું હતું કે રેશનિંગ પુરવઠો પણ આપત્તિ અટકાવવા માટે પૂરતો નહીં હોય. પેઝેશ્કિયાને કહ્યું, "જો રેશનિંગ કામ ન કરે, તો આપણે તેહરાન ખાલી કરાવવું પડી શકે છે." જો કે, રાષ્ટ્રપતિની ટિપ્પણીની ઈરાની અખબારો અને સોશિયલ મીડિયામાં ટીકા થઈ છે. તેહરાનના ભૂતપૂર્વ મેયર ગુલામ હુસૈન કરબાશીએ આ વિચારને "મજાક" ગણાવ્યો અને કહ્યું, "તેહરાન ખાલી કરવાનો કોઈ અર્થ નથી."
હવામાન અધિકારીઓએ જણાવ્યું છે કે આગામી 10 દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી. રાજધાની, તેહરાનમાં પાણીની કટોકટી હવે ગંભીર તબક્કામાં પહોંચી ગઈ છે. તેહરાનની એક મહિલાએ બીબીસી પર્સિયનને જણાવ્યું, "હું શૌચાલય અને અન્ય આવશ્યક જરૂરિયાતો માટે પાણીના ટેન્કર ખરીદવાનું આયોજન કરી રહી છું." આ દરમિયાન, ઈરાની રેપર વફા અહમદપોરે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તેના રસોડાના નળમાંથી પાણી આવતું દેખાતું નથી. તેણીએ કહ્યું, "ચાર કે પાંચ કલાક થઈ ગયા છે. મેં શૌચાલયનો ઉપયોગ કરવા માટે બોટલબંધ પાણી ખરીદ્યું.
એક કરોડની વસ્તી માટે પાણીના જથ્થામાંથી માત્ર 10 ટકા જ બચ્યો
રાજધાની, તેહરાનને પાણી પૂરું પાડતા મુખ્ય ડેમ, લાતિયન ડેમના મેનેજર કહે છે કે હવે તેની ક્ષમતાના 10% કરતા પણ ઓછા છે. નજીકનો કારાજ ડેમ, જે તેહરાન અને અલ્બોર્ઝ બંને પ્રાંતોને પાણી પૂરું પાડે છે, તેની હાલત પણ એટલી જ ખરાબ છે. એક વૃદ્ધ સ્થાનિક રહેવાસીએ ઈરાની રાજ્ય ટીવીને જણાવ્યું, "મેં મારા જન્મથી આ ડેમ ક્યારેય આટલો ખાલી જોયો નથી." કરજ ડેમના મેનેજર મોહમ્મદ-અલી મોઆલેમના જણાવ્યા અનુસાર, વરસાદમાં ભારે ઘટાડો થયો છે. "આ વર્ષે, ગયા વર્ષની સરખામણીમાં વરસાદમાં 92% ઘટાડો થયો છે. અમારા જળાશયમાં ફક્ત આઠ ટકા પાણી રહે છે, જેમાંથી મોટાભાગનો ઉપયોગ નકામો છે અને તેને 'ડેડ વોટર ' માનવામાં આવે છે.
પાણી પુરવઠો બંધ થઈ શકે
ઈરાની સરકાર હવે પાનખર વરસાદ પર નજર રાખી રહી છે, પરંતુ હવામાન આગાહીઓ નિરાશાજનક છે. ઈરાનના ઉર્જા મંત્રી અબ્બાસ અલી અબાદીએ ચેતવણી આપી છે કે પરિસ્થિતિ ટૂંક સમયમાં અધિકારીઓને પાણી પુરવઠો કાપવા માટે મજબૂર કરી શકે છે. કેટલીક રાત્રે, આપણે પાણીનો પ્રવાહ શૂન્ય સુધી ઘટીને જોઈ શકીએ છીએ,તેમણે કહ્યું. અધિકારીઓએ વધુ પડતું પાણી વાપરનારા ઘરો અને વ્યવસાયોને દંડ કરવાની યોજના પણ જાહેર કરી છે. ઈરાનના ઉર્જા મંત્રીએ ઇઝરાયલ સાથેના 12 દિવસના યુદ્ધ તરફ પણ ધ્યાન દોર્યું, જેણે રાજધાનીમાં સદીઓ જૂના પાણી સંગ્રહ માળખાને નુકસાન પહોંચાડ્યું. જૂન યુદ્ધ દરમિયાન ઇઝરાયલે 15 જૂને ઉત્તરી તેહરાનના તાજરીશ વિસ્તારને નિશાન બનાવ્યો હતો. ત્યારબાદના વીડિયોમાં વિસ્તારમાં ભારે પૂર જોવા મળ્યું હતું.
સાંસદે કહ્યું કે આ અલ્લાહની ચેતવણી
ઈરાનની નિષ્ણાતોની સભાના સભ્યએ દેશના વધતા દુષ્કાળ અને ઘટતા વરસાદ માટે મહિલાઓને જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું કે વરસાદનો અભાવ મહિલાઓ દ્વારા હિજાબ ન પહેરવાના કારણે છે. તેમણે સરકાર પર ફરજિયાત હિજાબ કાયદાનો અમલ કરવામાં નિષ્ફળ રહેવાનો પણ આરોપ લગાવ્યો. સાંસદ મોહસેન અરાકીએ કહ્યું,દુષ્કાળ, પાણીની અછત અને ઓછો વરસાદ એ અલ્લાહ તરફથી ચેતવણીના સંકેતો છે જે આપણને આપણી બેદરકારી અને તેના પ્રત્યેની બેદરકારીથી જાગૃત કરે છે.