BREAKING NEWS

લાલજીભાઈ સોના-ચાંદીનો થેલો લઇ બહાર નીકળ્યા ને લૂંટારૂ ત્રાટક્યા: ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુંઃ રાજકોટમાં લૂંટ વીથ મર્ડરની ઘટનાની A ટુ Z માહિતી

  • October 15, 2026 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં ના. મુખ્યમંત્રીના આગમન પૂર્વે જ કાયદો વ્યવસ્થાની સ્થિતિના લીરા ઉડાવતી ઘટના બનવા પામી છે. આજી જીઆઇડીસીમાં સમી સાંજના આઠેક વાગ્યે તન્વી એકસપોર્ટ પેઢીની રિફાઇનરી પાસે કારમાં આવેલા ચાર લૂંટારૂ પૈકી બે શખસોએ નીચે ઉતરી પેઢીના મેનેજર લાલજીભાઇ લવજીભાઇ સરધારા(ઉ.વ.૫૩ રહે. એ.પી.પાર્ક, બીગ બજાર પાસે) પાસેથી સોના- ચાંદી ભરેલો થેલો આંચકવાનો પ્રયાસ કર્યો હતો. લાલજીભાઇએ પ્રતિકાર કરતા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી રૂ.૧.૫૩ કરોડ સોના-ચાંદીની લૂંટ કરી લૂંટારૂ કારમાં નાસી ગયા હતાં. બીજી તરફ ફાયરિંગમાં મેનેજરને છાતીના ભાગે ગોળી વાગી જતા ટુંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું.


લુંટ વીથ મર્ડરની આ ઘટનાના પગલે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલિક, ડીસીપી ક્રાઈમ જગદિશ બાંગરવા, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ સહિતનાં ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. લૂંટારૂઓને ઝડપી લેવા ક્રાઇમ બ્રાંચ, એલસીબી સહિતની અલગ અલગ ટીમોએ વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે. લૂંટારૂઓ કાર લઇ રાજકોટ અમદાવાદ હાઇવે તરફ નાસી ગયા હોય પોલીસે હાઇવે પરના સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારૂ ટોળકીના સગડ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


બનાવ અંગે બીપીનભાઇ ગોરધનભાઇ વીરડીયા(ઉ.વ.૫૨ રહે. ગોવર્ધન મકાન સાધના સોસાયટી શેરી નં.૦૧/૦૪ નો ખુણો સહકાર મેઇન રોડ) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ આજી જી.આઈ.ડી.સી. મેઇન રોડ બાવીશી વે-બ્રિજ સામે તન્વિ એક્ષપોર્ટ ઇન્ડીયા લીમીટેડ નામની સોના ચાંદીની મેન્યુફેક્ચરીંગ પેઢી અન્ય ભાગીદારો સાથે છેલ્લા ત્રણેક વર્ષથી ભાગીદારીમા ચલાવી સોના-ચાંદીના તૈયાર ઘરેણા ઓલ-ઇન્ડિયામા અલગ અલગ જગ્યાએ વેચાણ કરે છે. તન્વિ એક્ષપોર્ટથી આશરે ચાલીશ મિટરના અંતરમા તેમની રીફાઇનરી આવેલી છે. રીફાનરીમા સોના-ચાંદીનુ રીફાઇન થયા બાદ કોઇ અંગત માણસ સાથે કંપનીમા કામ કરતા સિક્યુરીટી ગાર્ડ સાથે મોકલી જ્વેલરી બનાવતા યુગ બિલ્ડીંગ ખાતે આપ-લે કરે છે.


​ગઇકાલના રાત્રીના સવા આઠેક વાગ્યાની આસપાસ ફરિયાદી તથા કિશોરભાઇ હાપલીયા કોટેચા ચોક પાસે હતા ત્યારે અન્ય ભાગીદાર મયુરભાઇ લીંબાસીયાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, કંપનીમા કામ કરતા લાલજીભાઇ સરધારા ઉપર રીફાઈનરી પાસે ફાયરિંગ થયું છે અને આશરે દોઢેક કરોડના સોના- ચાંદીના માલની લૂંટ થઇ છે અને અત્યારે લાલજીભાઇ સરધારાની મધુરમ હોસ્પીટલમાં સારવાર ચાલુ છે તેવી વાત કરતા ફરિયાદી અને કિશોરભાઇ મધુરમ હોસ્પિટલ ગયા હતા અને ત્યારે હોસ્પીટલમાં બિજા ભાગીદારો પણ હાજર હતા અને ત્યારે લાલજીભાઇની ઇમરજન્સી રૂમમા સારવાર ચાલુ હતી અને ત્યારે ત્યાં હાજર ભાગીદાર રાજભાઇ અશોકભાઇ ભાલારાએ વાત કરી હતી કે, સાંજના સવા સાતેક વાગ્યાના અરસામા રિફાઇનરી ખાતે કામ કરતા વર્કર બાબુભાઇ બચુભાઇ કાકડીયાનો તુષારભાઈ વલ્લભભાઇ સાવલિયાને ફોન આવ્યો હતો અને વાત કરી હતી કે, પંદરેક મિનીટ બાદ કોઇ માણસને રીફાઇનરી ખાતે મોકલો રિફાઇન સોનાના અલગ અલગ વજનના ઢાળીયા જેનુ વજન આશરે ૯૪૬ ગ્રામ કિ.રૂ. આશરે ૧,૪૮,૯૦,૦૦૦ તથા રિફાઇન ચાંદીનો ડસ્ટ પાવડરની પ્લાસ્ટીકની કોથળી વજન આશરે ૨(બે) કીલો જેની કિ.રૂ. આશરે ૪,૩૦,૦૦૦ મળી કુલ રિફાઇન સોના-ચાંદીની કુલ કિ.રૂ. ૧,૫૩,૨૦,૦૦૦ નો સોના ચાંદીનો માલ તૈયાર થયો છે.


બાદમાં આશરે સાડા સાતેક વાગ્યાના અરસામા તુષારભાઇ સાવલીયાએ ભાગીદાર હરેશભાઇ સરધારાના ભાઇજીના દિકરા લાલજીભાઇ લવજીભાઇ સરધારાને કંપની ખાતેથી સિક્યુરીટી ગાર્ડ બાવનજી બાબુજી પઢીયાર સાથે એક્ટિવા લઇને રીફાઇનરી ખાતે મોકલ્યા હતા બાદ સાંજના આઠેક વાગ્યાના અરસામા રાજભાઇ ભાલારા અને મયુરભાઇ લીંબાસીયા ઓફિસમાં બેઠા હતા તે વખતે મયુરભાઇ લિંબાસીયાને હિતેષભાઇ સરધારાનો ફોન આવ્યો હતો કે લાલાભાઇ(લાલજીભાઇ સરધારા) ઉપર રીફાઇનરી ખાતે ફાયરિંગ થયુ છે તેવુ કહેતા તુરંત જ રાજભાઇ ભાલારા અને મયુરભાઇ લીંબાસીયા રીફાઇનરી ખાતે ગયા હતા અને ત્યા લાલજીભાઇ સરધારા રોડની સાઇડ પર ઢળી ગયા હાલતમા હતા અને મયુરભાઇ લિંબાસિયા અને હિતેષભાઈ સરધારા તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે મધુરમ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યારે સિકયુરીટી ગાર્ડ બાવનજી પઢીયારે વાત કરી હતી કે લાલજીભાઇ સોના-ચાંદીનુ બેગ લઇને રિફાઇનરીના ગેઇટ બહાર નિકળેલ ત્યારે બે અજાણ્યા માણસો લાલજીભાઇ સાથે ઝપાઝપી કરતા હોય ત્યારે સિક્યુરીટી ગાર્ડ તે દોડીને લાલજીભાઈને બચાવવા જતા તેમાથી એક અજાણ્યા માણસ જેને સફેદ કલરનો શર્ટ પહેર્યો હતો તેને પોતાની પાસેથી હથીયાર કાઢી લાલજીભાઈ ઉપર ફાયરિંગ કરતા લાલજીભાઇ નીચે પડી જતા લાલજીભાઇ પાસે રહેલ થેલો લૂંટીને બન્ને શખસો મરૂન કલરની ટાટા કંપની ટીગોર કારમા બેસી ગયેલ અને ત્યારે કારમાં જોતા બીજા બે અજાણ્યા માણસો પણ બેઠા હતા અને તેઓ તે ગાડી હંકારી ભાગી ગયા હતા. બાદમાં ચાલુ સારવાર દરમિયાન લાલજીભાઇ સરધારાનુ મધુરમ હોસ્પીટલમાં ટૂંકી સારવાર બાદ મોત થયું હતું.


​જેથી લાલજીભાઇ લવજીભાઇ સરધાર અમારી રિફાઇનરીમાંથી સોનાના અલગ અલગ વજનના ઢાળીયા કિં.રૂ. ૧,૪૮,૯૦,૦૦૦ તથા ચાંદીનો ડસ્ટ પાવડર કિ.રૂ. આશરે ૪,૩૦,૦૦૦ મળી કુલ રિફાઇન સોના-ચાંદીની કુલ કિ.રૂ.૧,૫૩,૨૦,૦૦૦ નો સોના-ચાંદીનો માલ થેલામાં રાખી બહાર નિકળેલ ત્યારે બે અજાણ્યા માણસો લાલજીભાઈ પાસે રહેલ સોના ચાંદી ભરેલો થેલો છીનવતા લાલજીભાઇ તથા સિક્યુરીટી ગાર્ડ બાવનજી બાબુજી પઢીયારએ પ્રતીકાર કરતા તેમાંથી એક અજાણ્યા માણસ જેણે સફેદ કલરનો શર્ટ પહેરેલ તેણે પોતાની પાસેથી હથીયાર કાઢી લાલજીભાઇ ઉપર ફાયરિંગ કરી લૂંટ ચલાવી હતી. જે ફરિયાદના આધારે થોરાળા પોલીસ મથકના પીઆઇ એસ.પ.સોઢાની રાહબરીમાં પોલીસે ગુનો દાખલ કર્યો છે.


લુંટ વીથ મર્ડરની આ ઘટનાને લઇ ઉચ્ચ પોલીસ અધિકારો તથા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ દ્વારા લૂંટારૂઓને ઝડપી લેવા નાકાબંધી કરી દેવાઇ હતી. પરંતુ હજુ સુધી લૂંટારૂ સુધી પહોંચી શકાય તેવા કોઇ સગડ મળ્યા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application