રાજકોટ શહેરમાં ગ્રીનલેન્ડ ચોકડી નજીક વેપારી યુવાન પર ટોળકીએ હુમલો કરી તેને ઢીકાપાટુનો મારમારી તીક્ષણ હથિયારનો ઘા ઝીંકી દીધો હતો. બચાવવા વચ્ચે પડેલા યુવાનના મિત્રને પણ મારમાર્યો હતો. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે વેપારી યુવાનની ફરિયાદ પરથી પોલીસે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.શહેરમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચામુંડા પાનવાળી શેરીમાં હરસિધ્ધિ સોસાયટી મેઇન રોડ પર રહેતા વેપારી સાગર નરોત્તમભાઈ પરમાર (ઉ.વ.34) દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ટેટુ, વિશાલ રોજાસરા, પ્રવીણ મનુભાઈ બાંભવા, તેજો મનુભાઈ બાંભવા અને અજાણ્યા પાંચ શખસોના નામ આપ્યા છે. જે ફરિયાદના આધારે પોલીસે રાયોટ, ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ઘરેથી મીઠાઈનો વેપાર કરે છે આજથી ચારેક દિવસ પહેલા રાત્રીના 10:30 વાગ્યા આસપાસ તે તથા તેમના મિત્ર સંજયભાઈ બંને ગ્રીનલેન્ડ ચોકડી ખાતે આવેલ તેમની ઓફિસ ખાતે હતા. ત્યારે લાલપરીમા રહેતો ટેટુ ઓફિસ બહાર બેઠો હોય જેથી યુવાનના મિત્ર સંજયભાઈએ ટેટુને ઓફિસ પાસેથી ઉઠાડી રવાના કર્યો હતો.દરમિયાન આ બાબતની અદાવત રાખી ગઈકાલ વહેલી સવારના ચારેક વાગ્યે આસપાસ યુવાન ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચામુંડા હોટલ પાસે હતો ત્યારે ટેટુ તથા તેની સાથે વિશાલ બંને હોટલેથી પાણીની બોટલ લઇ યુવાન પાસે આવી બોલાચાલી અને ગાળાગાળી કરવા લાગ્યા હતા. યુવાને કેમ ગાળો આપો છો તેમ પૂછતા બંને ઉશ્કેરાઇ ગયા હતા બાદમાં આ ટેટુએ ફોન કરી વધુ માણસો બોલાવતા યુવાને તેના મિત્ર ખેંગારભાઈને ફોન કરી બોલાવ્યા હતા અને યુવાન તથા તેમના મિત્ર ખેંગારભાઈ બંને ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગર જવાના રસ્તે ચોક પાસે હતા.