ઉપલેટા તાલુકાના કોલકી ગામમાં અનોખી રીતે હાલારી ગધેડા “વધામણી” સમારંભ સંપન્ન

  • February 26, 2023 06:35 AM 

Aajkaalteam

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોલકી ગામમાં અનોખી રીતે હાલારી ગધેડા “વધામણી” સમારંભ યોજાયો હતો. જેમાં મોટાભાઈ ભરવાડ સમુદાયના અંદાજિત 150 લોકો ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે તાજા જન્મેલ ખોલકાંઓને ગુલાબી ચૂંદડી ઓઢાડીને વધામણી કરવામાં આવી છે.


રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોલકી ગામમાં હાલારી ગધેડાના ખોલકાઓના "વધામણી સમારંભ"નું અનોખુ આયોજન થયું હતું. હાલારી ગદર્ભ સંવર્ધન સમિતિ દવારા કરવામાં આવેલ આ સમારંભમાં મોટા ભાઈ ભરવાડ સમુદાયના અંદાજિત ૧૫૦ લોકો ઉપરાંત હાલારી ગધેડાનો ઉછેર કરતા માલધારી ભાઈઓ, બહેનો તથા પશુપાલન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગયા વર્ષે યોજાયેલ હાલારી ગધેડાના સંરક્ષણના માટે ગોદભરાઈ (સીમંત) સમારંભના આયોજન બાદ બચ્ચાઓનો જન્મ થતા વધામણીનો પ્રસંગ માલધારી સમાજ દવારા રંગે ચંગે ઉજવવામાં આવ્યો હતો. 


માલધારી બહેનો દવારા વધામણીની ખુશીના સોરઠી લહેકામાં ગીતોના ગુંજન સાથે,  તાજા જન્મેલ ખોલકાંઓને (બચ્ચાઓ)ને તિલક, કુંકુ  ચોખાથી વધાવી અને ગુલાબી ચૂંદડી ઓઢાડીને બચ્ચાઓના જન્મની વધામણી કરવામાં આવી હતી. જયારે માલધારીભાઈઓ દ્વારા ખોલકાંઓને ફૂલમાળા પહેરાવી ને બચ્ચાઓની વધામણી કરાઈ હતી, નવા જન્મેલ દરેક ખોલકા પુખ્ત થતા તે સવા લાખની કિંમતના થઇ જશે. 


આ પ્રસંગે પશુપાલન વિભાગ -રાજકોટના નાયબ સંયુક્ત નિયામક  ડો. કાકડિયા, ઉપલેટા વેટરનરી ડો. કાસુન્દ્રા, તેમજ સહજીવન સંસ્થાના રમેશ ભટ્ટી ઉપસ્થિત રહીને ખોલકાંઓને વધાવ્યા હતા. આ બે કાર્યક્રમનો ઉદ્દેશ્ય એ છે કે હાલારી ગધેડાની ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં લુપ્ત થતી પ્રજાતિનું સંરક્ષણ કરવું તથા આ નસલની ખૂબીઓ વિશે માલધારી સમુદાય અને અન્ય સમુદાયને જાગૃત કરવો.


હાલારી ગધેડા મુખ્યત્વે સૌરાષ્ટ્રની એક લુપ્ત થતી નસલ છે. જેમના દૂધનું ખુબ મહત્વ છે.ગધેડીનું દૂધ હાલ ૧૮૦ રૂપિયા લીટરના ભાવે માલધારીઓ વહેચે છે.આ દુઘનો ઉપયોગ મહિલાઓના સોંદર્ય પ્રસાધનમાં કરવામાં આવે છે. હાલારી ગધેડાના ભાવ એક લાખ રૂપિયા સુધી પહોચ્યા છે. નર ગધેડા ખુબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. હાલારી ગધેડાની સંખ્યા ૪૧૭ જેટલી છે, જેથી હાલારી ગધેડાની સરંક્ષણ સમિતિ તથા  સહજીવન ટ્રસ્ટ, પશુપાલન વિભાગ અને પશુપાલન મંત્રાલય નવી દિલ્હીની સાથે મળીને  ઘણા પ્રયત્નો બાદ માલધારી ગધેડા પાલકો એકત્રિત થઈને ગધેડાના સંરક્ષણની કામગીરી કરી રહયા છે. આ પ્રસંગે સહજીવન સંસ્થાની ટીમના રિતુજા મિત્રા, નરેન્દ્ર નંદાણીયા, વિકાસભાઈ, મિત્તલબેન, વિશ્વાબેન, માલધારી સમિતિના ભારાભાઈ ભરવાડ, તેમજ અન્ય યુવાનોએ જવાબદારી સંભાળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application