રાજકોટમાં આગામી સમયમાં યોજાનારા બાગેશ્વર ધામના પિઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીના દિવ્ય દરબાર અને કાર્યક્રમને લઈને અત્યારથી જ સ્થાનિક સ્તરે મોટો વિવાદ અને વિરોધની સ્થિતિ જોવા મળી રહી છે. રાજકોટના જાણીતા સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળીયા અને સનાતન ધર્મ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિર્નાથ બાપુએ આ આયોજન સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ શિબિર કે દરબારને કોઈ ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ ખુલ્લેઆમ અંધશ્રદ્ધાનો મહાકુંભ ગણાવીને તંત્ર સામે પણ સવાલો ઉઠાવ્યા છે, જેના કારણે ભારે ચર્ચા જાગી છે.
સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળીયાએ પોતાનું વલણ સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીજી કે અન્ય કોઈ પણ કથાકાર સનાતન ધર્મના પ્રચાર-પ્રસાર માટે ધાર્મિક કાર્યો કરે તેની સામે કોઈને કોઈ વાંધો હોઈ શકે નહીં. પરંતુ, તેમના દ્વારા મંચ પરથી જે કથિત ચમત્કારોના નામે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી છે, તેની સામે અમારો સખત વિરોધ છે. દુનિયામાં ચમત્કાર, મેલીવિદ્યા કે તાંત્રિક જેવું કંઈ જ હોતું નથી, આ બધું માત્ર લોકોને ભ્રમિત કરવાનું એક મોટું ડીંડક છે. ભોળા લોકોને આવી અંધશ્રદ્ધાની જાળમાં ફસાવીને તેમનો ગેરલાભ લેવો એ કાયદાકીય રીતે પણ તદ્દન ગેરકાયદેસર છે.
પીપળીયાએ ડર્યા વગર ચમત્કારિક બાબા અને ભુવાઓ સામે સીધો પડકાર ફેંકતા કહ્યું છે કે, કોઈપણ ભુવા, અઘોરી કે ચમત્કારિક બાબા હોય તે કોઈનું પણ કંઈ બગાડી કે નુકસાન કરી શકતા નથી. તેમણે આહ્વાન કર્યું કે, કોઈપણ ચમત્કારિક બાબા હોય તે મારી પાસે આવે અને મારી ઉપર પોતાની મેલીવિદ્યા અજમાવી બતાવે, હું તેની સામે ઊભા રહેવા તૈયાર છું. આવા તત્વો સમાજમાં માત્ર ભયનું વાતાવરણ ઊભું કરે છે અને તે ભયનો લાભ લઈને સામાન્ય લોકોનું આર્થિક તેમજ શારીરિક શોષણ કરવામાં આવે છે. આ અંધશ્રદ્ધાના કારણે જ સમાજમાં 'કમળ પૂજા' (નરબલી કે આત્મબલી) જેવી ખતરનાક આડઅસરો દિન-પ્રતિદિન વધી રહી છે, જે અત્યંત ચિંતાનો વિષય છે.
સરકારની નીતિઓ પર તીખા પ્રહારો કરતા સામાજિક અગ્રણીએ ઉમેર્યું કે, રાજ્યમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદો અસ્તિત્વમાં હોવા છતાં પ્રશાસન રાજકીય દબાણ અને 'વોટ બેંક'ના રાજકારણના કારણે તેની કડક અમલવારી કરતું નથી. સરકાર આવા અંધશ્રદ્ધા ફેલાવનારા મોટા કાર્યક્રમો સામે મૌન સેવીને એક પ્રકારે તેમને ખુલ્લું પ્રોત્સાહન પૂરું પાડી રહી છે. કાયદો હોવા છતાં આવા તત્વો સામે પગલાં ન ભરવા એ સરકારની ઈરાદાપૂર્વકની ગુનાહિત નિષ્ફળતા દર્શાવે છે. આગામી દિવસોમાં રાજકોટમાં આ કાર્યક્રમ જેમ જેમ નજીક આવશે, તેમ તેમ આ વિવાદ વધુ ઉગ્ર બને તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.
રાજકોટમાં આગામી સમયમાં યોજાનારી બાબા બાગેશ્વરની કથા અને દિવ્ય દરબારને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. સનાતન ધર્મ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિર્નાથ બાપુએ નામ લીધા વિના આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, આ એક એવી વ્યક્તિ છે જેણે અગાઉ આખા ગુજરાતી સમાજને ગાંડો કહ્યો હતો. તેમણે ગંભીર આક્ષેપ કર્યો કે સનાતનની આડમાં માત્ર વૈજ્ઞાનિક ખેલ થતા હોય છે અને આગામી દિવસોમાં રાજકોટના સ્ટેજ પર પણ આવો જ એક ખેલ કરીને અંધશ્રદ્ધા ફેલાવવામાં આવશે.