ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, નોકરીમાં જોડાયા પહેલા બાળકનો જન્મ થાય તો પણ મહિલાને આ લાભ મળશે

  • May 02, 2025 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો 2002 ના નિયમ 69 (માતૃત્વ રજા) બાબતના પ્રવર્તમાન નિયમોમાં ગુજરાત સરકારે ફેરફાર કર્યા છે અને જો કોઈ મહિલા કર્મચારી હંગામી કે કાયમી પોસ્ટ પર સરકારી કચેરીમાં નોકરીમાં જોડાય તે પહેલા બાળકને જન્મ આપ્યો હશે તો તેવા કિસ્સાઓમાં પણ આવી મહિલા કર્મચારી માતૃત્વની રજા મેળવવા માટે હકદાર રહેશે.


આ બાબતે સરકારે આખરે અંતિમ નિર્ણય લીધો

વર્તમાન જોગવાઈ મુજબ કાયમી કે ફિક્સ પગાર પર નિમણૂક પામેલ મહિલા કર્મચારી નોકરીમાં જોડાયા બાદથી જ 180 દિવસની માતૃત્વ રજા માટે હકદાર હતી. પરંતુ મહિલા સરકારી કર્મચારી નોકરીમાં જોડાય તે પહેલા માતૃત્વ ધારણ કરેલ હોય તો તેવા કિસ્સામાં આવી રજા મળે કે નહીં ? તે બાબતે છેલ્લા કેટલાક દિવસોથી વિચારવિમર્સ ચાલી રહ્યો હતો, આ બાબતે સરકારે આખરે અંતિમ નિર્ણય લીધો છે અને નોકરીમાં જોડાયા પહેલા જો કોઈ મહિલા બાળકને જન્મ આપે તો પણ તેને માતૃત્વની રજા આપવાનું નક્કી કરાયું છે.


ફરજ પર હાજર દિવસ રજામાં ગણવામાં આવશે નહીં

સરકારે કરેલા સુધારામાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે માતૃત્વની રજાનો મૂળ આશય બાળકના જન્મ પછી તેની સાર સંભાળ સારી રીતે થાય તે માટેનો છે. આ બાબતને ધ્યાનમાં રાખી કાયમી કે હંગામી નોકરી પરના મહિલા સરકારી કર્મચારી નોકરીમાં જોડાયા પહેલા બાળકને જન્મ આપે તો માતૃત્વ રજાના 180 દિવસ માટે બાળકને જન્મ તારીખથી નોકરીમાં જોડાયાની તારીખના સમયગાળા સુધીના દિવસોને બાદ કરતા બાકી દિવસો જેટલા રહે એટલા દિવસની રજા આવા મહિલા કર્મચારીઓને મળશે. ફરજ પર હાજર દિવસ રજામાં ગણવામાં આવશે નહીં.

ભૂતકાળમાં આવી હક્કદાર મહિલાઓને અન્યાય ન થાય તે માટે સરકારે આ ઠરાવની અમલવારી તારીખ 24 સપ્ટેમ્બર 2022 થી કરવાનો નિર્ણય લીધો છે અને આ અંગે નો પરિપત્ર બહાર પાડ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application