લાલપુર તાલુકાના નવા ધુણીયા ગામ પાસે રોડ પર એક ટ્રક ટ્રેલરમાં રાખેલું હેવી પવનચક્કીનું પાંખીયું એકાએક નીચે લસરી પડતાં તેની નીચે દબાઈ જવાથી પરપ્રાંતીય શ્રમિક યુવાનનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે ટ્રક ટ્રેલરના ચાલક સામે ફરીયાદ નોંધાવવામાં આવતા તપાસ કરવામાં આવી રહી છે, જયારે બીજા બનાવમાં એક મહીના પુર્વે દડીયા ગામ રોડ પર બોલેરોના ચાલકે એકસેસ બાઇકને હડફેટે લઇને અકસ્માત સર્જતા એક તરૂણનું સારવારમાં મૃત્યુ થયુ હતું. આ બનાવમાં બોલેરોના ચાલક સામે ગઇકાલે ફરીયાદ કરવામાં આવી હતી.
મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતો દીપકભાઇ યાદવ નામનો (ઉ.વ.૨૦) નામનો પરપ્રાંતીય શ્રમિક યુવાન, કે જે પરમદીને સાંજે જીજે૨૭ટીએફ-૩૯૯૧ નંબરના ટ્રક ટ્રેલરમાં પાછળ બેસીને જઈ રહ્યો હતો, જે ટ્રક ટેલરમાં એક ખાનગી કંપનીની પવનચક્કીનું હેવી પાંખીયું રાખવામાં આવ્યું હતું.
જે ટ્રક ટેલરના ચાલકે પોતાનો કાબુ ગુમાવી દેતાં ટ્રકની પાછળ બેઠેલો શ્રમિક યુવાન દીપક નીચે પટકાઈ પડ્યો હતો. જેના ઉપર પવનચક્કીનું પાંખીયું પડતાં ગંભીર ઇજા થઈ હતી, અને તેનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજયું છે.
આ બનાવ અંગે હાલ સુરત રીંગ રોડ ડીંડોલી ખાતે રહેતા મુળ યુપીના વિવેક રામસિંગભાઈ યાદવે પોલીસને જાણ કરી હતી અને ટ્રેલર ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે તપાસ હાથ ધરી હતી, બનાવની જાણ થતા લાલપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ ટીનુભા બી. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય એક બનાવમાં ગત તા. ૩૧-૧૨-૨૫ બપોરના સુમારે દડીયા ગામ ગૌશાળા સામેના રોડ પર બોલેરો વાહન નં. જીજે૩૭ટી-૬૪૬૫ના ચાલકે બેફીકરાઇ અને ગફલતભરી રીતે ચલાવી સામેથી એકસેસ બાઇક નં. જીજે૧૦સીકે-૧૨૪૦ને ચલાવીને આવતા રણજીત ધ્રુવ (ઉ.વ.૧૭) તથા પાછળ બેઠેલ જયદીપ પાધરેસાને હડફેટે લઇ રોડ પર પછાડી દીધા હતા, ગંભીર ઇજાઓ પહોચાડી હતી અને વાહન છોડીને જતા રહેતા ઇજાગ્રસ્તોને ૧૦૮ મારફત જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જયાં સારવાર દરમ્યાન રણજીત નામના તરૂણનું મૃત્યુ થયુ હતું જયારે જયદીપને સામાન્ય ઇજાઓ પહોચી હતી. આ બનાવ અંગે રણજીતસાગર વાડી વિસ્તાર ખાતે રહેતા વાસુદેવ ડાયાભાઇ ધ્રુવ દ્વારા ગઇકાલે પંચકોશી-બીમાં બોલેરો વાહનચાલક સામે ફરીયાદ કરવામાં આવી હતી.