જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના મૂળ રહીશ સુમારભાઈ જુમાભાઈ લખપતિ નામના ૪૨ વર્ષના મુસ્લિમ માછીમાર યુવાન પાસે દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા અનવર અલીભાઈ ભેસલીયા નામનો શખ્સ બે-ત્રણ વર્ષ પૂર્વે ખલાસી કામના પૈસા માંગતો હતો. આ વચ્ચે ફરિયાદી સુમારભાઈ જુમાભાઈ મંગળવાર તા. ૧૩ ના રોજ દ્વારકા નજીકના વરવાળા ગામે ઉર્ષમાં આવ્યા હતા, ત્યારે આરોપી જાવીદ સીદીભાઈ ભેસલીયા તેમને જોઈ ગયો હતો.
આ પછી અન્ય આરોપીઓ અસલમ અનવર ભેસલીયા, આસિફ ગફુરભાઈ ભેસલીયા અને સદ્દામ સીદીભાઈ ભેસલીયાને બોલાવીને ફરિયાદી સુમારભાઈનું બળજબરી પૂર્વક વરવાળા ગામેથી અપહરણ કરવામાં આવ્યું હતું.
આ પછી આરોપીઓ તેમને અનવર અલી, ગુલામ અલી અને હાસમ અલી પાસે વરવાળા સ્થિત એક હોટલ નજીક લઈ ગયા હતા અને ત્યાંથી આરોપી સદામ, આસિફ ગફુરભાઈ અને જાવીદ ત્યાંથી જતા રહ્યા હતા. બાકીના ચારેય આરોપીઓ અનવર, અસલમ, હાસમ અને ગુલામ અહીં હાજર હતા અને ફરિયાદીને પૈસા આપવા છે કે નહીં તેમ કહી, બિભત્સ ગાળો કાઢી હતી.
અપહરણ કરીને આરોપીઓ તેમને બળજબરીપૂર્વક બાઈકમાં બેસાડી અને જો તે રાડા રાડ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપી હાસમના રહેણાંક મકાને લઈ જઈને ફરિયાદી સુમારભાઈને આરોપીઓએ બેફામ માર મારી, રહેણાંક મકાનમાં ગોંધી રાખ્યા હતા. બીજા દિવસે આરોપીઓએ સુમારભાઈના મોબાઈલ ફોનથી તેમના બનેવી સાહેદ અલારખા ઉર્ફે બાપુભાઈને વોટ્સએપ વિડીયોથી કોલ કરીને રૂપિયા બે લાખની ખંડણી માંગી હોવાનું અને જો તેઓ રૂપિયા નહીં આપે તો સુમારભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર મામલે દ્વારકા પોલીસે તમામ સાત આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.એલ. ચોપડા દ્વારા હાથ ધરવામાં આવી છે.