રાજકોટ-જામનગર હાઇવે પર ન્યારા ગામના પાટિયા પાસે રિક્ષાએ બાઇકને ઠોકર મારતા ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નીપજ્યું છે. યુવક બોડીઘોડીથી રાજકોટ ઝનાના હોસ્પિટલમાં પુત્રના જન્મનો દાખલો લેવા માટે જતો હતો દરમિયાન બનાવ બન્યો હતો. પોલીસે રિક્ષા ચાલકની શોધખોળ હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ મૂળ એમપીનો અને હાલ પડધરીના બોડીઘોડી ગામે વિશાલભાઈની વાડીએ રહી ખેતમજૂરી કામ કરતા સુકરામ માનસીંગ ડામોર (ઉ.વ.26)નો યુવક ગઈકાલે સવારે મોટરસાઇકલ લઈ બોડીઘોડીથી રાજકોટ જતો હતો ત્યારે ન્યારા ગામના પાટિયા પાસે પહોંચતા સામેથી આવતા રિક્ષા ચાલકે બાઇકને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં યુવકને માથાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઈ હતી.મૃતક ત્રણ ભાઈ ત્રણ બહેનમાં બીજા નંબરે હતો અને સંતાનમાં એક દીકરો દીકરી છે, જેમાં બે મહિના પહેલા પુત્રનો જન્મ થતા તેનો જન્મનો દાખલો લેવા માટે રાજકોટ ઝનાના હોસ્પિટલમાં જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા રિક્ષા ચાલકે ઠોકરે લેતા ઘટના બની હતી. અકસ્માત સર્જી નાશી છૂટેલા રિક્ષા ચાલકની પડધરી પોલીસે શોધખોળ હાથ ધરી છે.