એઈમ્સના ગેઇટ પાસે બાઈક આડે કૂતરું ઉતરતા સ્લિપ થઈ યુવકનું મોત
એઈમ્સના ગેઇટ પાસે બાઈક આડે કૂતરું ઉતરતા સ્લિપ થઈ યુવકનું મોત
December 01, 2025 04:16 PM
રાજકોટ એઇમ્સના ગેઇટ નજીક બાઈક આડે કૂતરું ઉતરતા સ્લિપ થવાથી ચાલક યુવકને માથા સહિતના ભાગે ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું. યુવક એઇમ્સના ડિરેક્ટરની ઓફિસમાં નોકરી કરતો હતો. સાંજે ઘરે જવા નીકળ્યો ત્યારે ગેઇટ પાસે અકસ્માત નડ્યો હતો. યુવાન પુત્રના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.
રૈયા રોડ પર નહેરૂનગર-૩માં રહેતો અજમતઉલ્લાખાન એઝાઝહુશેન શેખ (ઉ.વ.૨૭)નો યુવક ગત તા.૨૮ના સાંજે એઇમ્સ હોસ્પિટલની કેન્ટીનથી ચા નાસ્તો કરીને ઘરે જવા નીકળ્યો હતો ત્યારે એઇમ્સના ગેઇટ નજીક બાઈક આડે કુતરૂ આવતા બાઇક સ્લીપ થઇ હતી જેમાં યુવકને માથામાં ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર કારગત ન નીવડતા દમ તોડી દીધો હતો. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. બનાવથી એઇમ્સના સાથી કર્મચારીઓમાં પણ ગમગીની છવાઈ છે.