નવા 150 ફૂટ રિંગ રોડ પર ટ્રકે બાઇકને ઉલાળતા યુવકનું ઘટના સ્થળે જ મોત
નવા 150 ફૂટ રિંગ રોડ પર ટ્રકે બાઇકને ઉલાળતા યુવકનું ઘટના સ્થળે જ મોત
January 02, 2026 11:12 AM
શહેરના નવા 150 ફૂટ રિંગ રોડ નજીક બિન બઝ કાફે નજીક પુરપાટ ઝડપે સામેથી આવતા ટ્રકે બાઇકને ઉલાળતા બાઈક સવાર બંને મિત્રો પટકાયા હતા જેમાં એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જયારે અન્યને ઇજા થતા સારવાર આપવામાં આવી હતી. અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી જતા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ મૂળ ઓરિસ્સાના અને હાલ કણકોટ પાટિયા પાસે રત્નવિલેજ પેલેસ નામની કન્ટ્રક્શન સાઈટ ઉપર સેન્ટીંગ કામની મજૂરી કરતા સાબિર ઉર્ફે કાળુભાઇ માંજી (ઉ.વ.28) અને ડોલામણી સહદેવભાઈ ધીવલા (ઉ.વ.25 ) બંને મિત્ર પ્રદીપનું બાઈક લઈને વેજાગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે નવા 150 ફૂટ રિંગ રોડ પર બિન બઝ કાફે રેસ્ટોરન્ટ પાસે પહોંચતા સામેથી પુરપાટ ઝડપે જીજે-03-એટી-3484 નંબરના ટ્રકે બાઇકને ઠોકરે લેતા બંને યુવકો બાઈક સમેત ફંગોળાયા હતા. અકસ્માતના પગલે આસપાસના લોકો એકઠા થઇ જતા કોઈએ 108ને જાણ કરી હતી. સાબિરને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી ઇએમટીએ ઘટના સ્થળે જ મોત નિપજ્યાનું જાહેર કર્યું હતું. ઘટનાને લઈને યુનિવર્સીટી પોલીસને જાણ થતા પોલીસ સ્ટાફ સ્થળ ઉપર પહોંચી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી જરૂરી કાર્યવાહી પુરી કરી હતી. બનાવને લઈને પોલીસે ડોલામણી સહદેવભાઈ ધીવલાની ફરિયાદના આધારે અજાણ્યા ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.