ધ્રોલ નજીક ટોઇંગ કરીને લઇ જવાઇ રહેલી રીક્ષાના દોરડામાં બાઇક આવી જતા સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં એક યુવાનનું હેમરેજ થવાથી મૃત્યુ થયુ છે. રાજકોટથી બે પિતરાઇ ભાઇ કબુતરની જાળી ફીટ કરવાના કામ માટે આવી રહયા હતા ત્યારે રસ્તામાં આ બનાવ બન્યો હતો આ અંગે છકડા રીક્ષા ચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે.
રાજકોટના વિજયનગર શેરી નં. ૫માં રહેતા ધવલ અજીતભાઇ ચાવડા (ઉ.વ.૧૯) તથા તેના કાકાનો દિકરો ઉદયભાઇ આ બંને મોટરસાયકલ નં. જીજે૦૩ડીએ-૯૧૩૨ લઇને ગઇકાલે બપોરે રાજકોટથી જામનગર ખાતે કબુતર બાંધવાની જાળીનું કામ કરવા માટે આવતા હતા.
ત્યારે જામનગર રાજકોટ હાઇવે હીરાના કારખાનાથી આગળ પેટ્રોલપંપ સામેના રોડ પર પહોચતા ત્યાં રોડની સામેથી એક છકડો રીક્ષા નં. જીજે૧૦ઇઝેડ-૩૬૬૦ના ચાલકે પોતાની રીક્ષા પુરઝડણે ગફલતભરી રીતે ચલાવી અચાનક વળાંક વાળી લેતા રીક્ષાની પાછળ દોરડા વડે બાંધીને અન્ય રીક્ષા હોય જે બંને રીક્ષાની વચ્ચે બાંધેલા દોરડામાં ફરીયાદીનુ મોટરસાયકલ વચ્ચે આવી ગયુ હતું અને અકસ્માત થયો હતો.
અકસ્માતમાં મોટરસાયકલની પાછળ બેઠેલ ફરીયાદીના કાકાના દિકરા ઉદયભાઇને આ દોરડુ અથડાતા બાઇક પરથી પડી જતા માથાની પાછળના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજયુ હતું.
આ અંગે ધવલભાઇ ચાવડા દ્વારા ગઇકાલે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં છકડોરીક્ષાના ચાલક સામે ફરીયાદ કરવામાં આવી હતી જેના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી હતી, બનાવના કારણે મૃતકના પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.