BREAKING NEWS

ગોંડલના ગોમટામાં યુવાન પર પાડોશી શખસનો ઇંટ વડે હુમલો

  • September 10, 2026 09:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ તાલુકાના ગોમટા ગામે પાડોશી યુવક તેની માતા સાથે બોલાચાલી અને ગાળાગાળી કરતો હોવાથી સમજાવવા ગયેલા યુવક સાથે ઝપાઝપી કરી માથા-મોઢાના ભાગે ઈંટ માર્યાની ફરિયાદ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે. બનાવ અંગે ગોંડલના ગોમટા ગામે રહેતા વસંતભાઈ ઉર્ફે હકાભાઈ રવજીભાઈ પરમાર (ઉં.વ.45)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા મયુર ઉર્ફે સુખો પોપટભાઈ બગડાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં પુત્ર સુનીલ (ઉં.વ.22), સાગર તથા સૌથી નાની દીકરી શિલ્પાબેન (ઉં.વ.17) છે. ગઇ તા.6-9ના સાંજના સમયે ફરિયાદી વાડીએ હતા ત્યારે તેમના ભત્રીજા મહેશનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, ગામમાં રહેતા સુખો તેની માતા સુમિતાબેન સાથે ઝઘડો કરતો હોવાથી સુનીલ તેને સમજાવવા ગયો હતો. દરમિયાન સુખાએ સુનીલ સાથે ઝપાઝપી કરી તેના મોઢામાં ઈંટ મારી ત્યાંથી જતો રહ્યો હતો. આ અંગેની જાણ થતાં ફરિયાદી વીરપુર સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાંથી સુનીલને વધુ સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તા.7-9ના રોજ સાંજે તેને રજા આપવામાં આવી હતી. જોકે, સુનીલ સંપૂર્ણ ભાનમાં હોવા છતાં સરખી રીતે બોલી શકતો ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, તેમના પાડોશમાં રહેતો મયુર ઉર્ફે સુખો પોપટભાઈ બગડા તેની માતા સુમિતાબેન સાથે બોલાચાલી તથા ગાળાગાળી કરતો હોવાથી સુનીલ તેને સમજાવવા ગયો હતો. ત્યારે મયુરે સુનીલ સાથે ઝપાઝપી કરી તેના મોઢાના ભાગે ઈંટ મારી દીધી હતી. આ ફરિયાદના આધારે ગોંડલ તાલુકા પોલીસે મયુર ઉર્ફે સુખો પોપટભાઈ બગડા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application