લાતી પ્લોટના અલ્તાફે જેમની સાથે પ્રેમલગ્ન કર્યા તેના લગ્ન પહેલા હિતેશ ઇન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ હતો, હાલ અલ્તાફની પત્ની રિસામણે હોય અને હિતેષ વાતચિત કરતો હોવાની શંકાએ મારમારી ચોકમાં જ ફેંકી દઈ ધમકી આપી
શહેરના ગોકુલધામ ક્વાર્ટરમાં રહેતો યુવક સાંજે આઠેક વાગ્યે સિવિલ હોસ્પિટલ ચોકમાં હતો ત્યારે અલ્તાફ શેખ, સંદીપ સહિતના શખસો બળજબરી પૂર્વક રિક્ષામાં ઉઠાવી જઈ રેલનગરના આસ્થા ચોક પાસે આવેલા વંડામાં લઈ ગયા હતા અને ત્યાં યુવકને ધોકા-પાઇપથી બેફામ મારી છરીથી ઇજા કરી હતી. બાદમાં માથાના વાળ અડધા અને અસ્ત્રાથી અડધી મૂછ કાપી નાખી હવે પછી જો ક્યાંય દેખાયો તો મારી નાખવાની ધમકી આપી હોસ્પિટલ ચોકમાં મૂકી નાસી ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા યુવકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે.
છરીથી વાળ કાપી નાખ્યા
બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગોકુલધામ આવાસ ક્વાર્ટરમાં રહેતો અને હોસ્પિટલ ચોકમાં ઈકો ગાડી રાખી ફેરા કરતો હિતેષ ધનજીભાઈ રાઠોડ (ઉ.વ.૩૨) ગત સાંજે આઠેક વાગ્યે સિવિલ હોસ્પિટલ ચોકમાં હતો. ત્યારે લાતી પ્લોટના અલ્તાફ શેખ, ગાંધીગ્રામમાં રહેતાં તેના સાળા સંદિપ સહિતના રિક્ષામાં અપહરણ કરી રેલનગરમાં આવેલા એક વંડામાં લઈ ગયા અને ત્યાં આડેધડ ધોકા-પાઇપથી માર મારી છરીથી છરકા કરીને એ જ છરીથી થોડાક વાળ કાપી નાખ્યા હતા અને અસ્ત્રા વડે મુછ કાપી નાખી ગાળો આપી હતી. બાદમાં રિક્ષામાં બેસાડી હોસ્પિટલ ચોકમાં ફેંકી દઈ હવે પછી હોસ્પિટલ ચોક કે ગાંધીગ્રામમાં દેખાયો તો ધ્યાન રાખજે ધમકી આપી હતી. યુવકને ઇજા થતા સિવિલમાં દાખલ થયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.
મને ધોકા-પાઈપથી માર માર્યો હતો
હિતેષના કહેવા મુજબ અગાઉ પોતે ગાંધીગ્રામમાં રહેતો હતો ત્યારે લાતી પ્લોટના અલ્તાફે ગાંધીગ્રામની યુવતિ કેસરબેન સાથે પ્રેમલગ્ન કર્યા હોય ત્યારે હું પણ કેસરના ઈન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ હતો જેની અલ્તાફને ખબર હતી. હાલ અલ્તાફની પત્ની કેસર રિસામણે હોઈ અને તે મારી સાથે વાતચીત કરે છે એ શંકાએ અલ્તાફ, તેના સાળા સંદિપ સહિતના રાત્રે હોસ્પિટલ ચોકમાં આવ્યા હતાં અને ત્યાં મને ઉભો જોઈ રિક્ષામાં બળજબરીથી બેસાડી ઉઠાવી ગયા હતા અને રેલનગરમાં આસ્થા ચોક્ના વંડામાં લઈ જઈ અલ્તાફ તેનો સાળો સંદીપ અને અન્ય મહિલાઓ સહિતનાએ મને ધોકા-પાઈપથી માર માર્યો હતો.
ગાંધીગ્રામમાં દેખાતો નહીં કહી ધમકી આપી
છરીથી છરકા કર્યા હતા. તેમજ અલ્તાફ પાસે સજીયો હોઈ તેનાથી મારી અડધી મુંછ મુંડી નાંખી હતી. તેમજ છરીથી માથાના થોડા વાળ કાપી નાંખ્યા હતાં. ઢોર માર મારી રાત્રે બારેક વાગ્યે હવે પછી હોસ્પિટલ ચોક કે ગાંધીગ્રામમાં દેખાતો નહીં કહી ધમકી આપી હોસ્પિટલ ચોકમાં ઉતારીને ચાલ્યા ગયા હતા. હિતેષ પરણેલો છે અને સંતાનમાં દીકરી-દીકરો છે. હોસ્પિટલ બિછાનેથી કરેલા આક્ષેપો અંગે પ્ર.નગર પોલીસે તપાસ હાથ ધરી છે.