માધાપરના તળાવમાં મચ્છી પકડવા બાબતે બે જૂથ વચ્ચે સ્થળ પર ઝગડો થયા બાદ લોહાનગરમાં ફરી ડખ્ખો થતા સામસામે છરી-ધારિયા વડે હુમલો કરવામાં આવતા બે વ્યક્તિને ઇજા થઇ હતી. બનાવમાં એ ડિવિઝન પોલીસમાં બંને પક્ષની ફરિયાદના આધારે સાત શખસો સામે ગુનો નોંધ્યો છે.
મળતી વિગત મુજબ લોહાનગરમાં બાપા સિતારામ ચોક પાસે રહેતો અને મચ્છી વેંચતો રામુ ધરમશીભાઈ મકવાણા (ઉ.વ.26)નો યુવાન ગઈકાલે સાંજે પાંચેક વાગ્યે ઘરે પાસે હતો ત્યારે કીટીપરામાં રહેતા દિનેશ તેનો દીકરો અર્જુન, રાજ અને રાજન સહિતના ઘરે આવી યુવકના ભાઈ બૈજુ અને કિશન ઉર્ફે રજુ સાથે ઝગડો કરવા લાગ્યા હતા આથી ઝગડો ન કરવા બાબતે યુવક સમજાવવા વચ્ચે પડતા રાજને છરી કાઢી હુમલો કર્યો હતો જેમાં યુવાનને છરીનો ઘા સાથળના ભાગે લાગી જતા ઇજા થવાથી સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી.
આ અંગે એ ડિવિઝન પોલીસમાં રામુ ધરમશી મકવાણાએ દિનેશ તેનો દીકરો અર્જુન, રાજન અને રાજના નામ આપ્યા છે. રામુના ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે પરાપીપળીયા પાસે આવેલા તળાવમાં મચ્છી પકડવા માટે ગયો હતો ત્યાં તળાવમાં લિલ વધુ હોવાથી પહેલા દૂર કરી હતી. હજુ હું મચ્છી પકડવા જાળ નાખું એ પહેલા ત્યાં અર્જુને જાળ નાખતા લીલની સફાઈ મેં કરી છે અને તું કેમ જાળી નાખે છે, આ બાબતે બોલાચાલી થયા બાદ તેનો ખાર રાખી ઘરે આવી હુમલો કર્યો હતો.
જયારે સામાપક્ષે કીટીપરામાં આવાસ ક્વાર્ટરમાં રહેતા રાજ દિનેશભાઇ કાવઠીયા (ઉ.વ.23)એ વળતી ફરિયાદમાં કિશન ઉર્ફે રાજુ તેનો ભાઈ બૈજુ અને રામુ સામે ધારિયાથી હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે સાતેય શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.