રાજકોટમાં ગંજીવાડામાં રહેતો યુવાન રાત્રિના મિત્ર સાથે મઘરવાડા ગામે ગરબીમાં મેલડી માતાજીના આખ્યાન માટે જતો હતો. દરમિયાન મઘરવાડા ગામ પાસે ગાય આડી ઉતરતા બાઈક સ્લીપ ખાઈ ગયું હતું. જેથી યુવાન તથા તેના મિત્ર બંનેને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં યુવાનનું મોત થયું હતું. બનાવ અંગેની જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવના પગલે કોળી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ભાવનગર રોડ પર ગંજીવાડા શેરી નંબર 36 શક્તી ચોક પાસે રહેતો મુકેશ ભુપતભાઈ પરમાર (ઉ.વ 23) નામનો યુવાન તેના મિત્ર રોહિત વાલાણીનું બાઈક લઇ બંને અહીં ગંજીવાડાથી મઘરવાડા ગામે જતા હતા. દરમિયાન મઘરવાડા ગામ પાસે પહોંચતા ગાય આડી ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું. જેથી બંને રોડ પર પટકાયા હતા જેમાં યુવાનને માથાનાભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બાદમાં બંનેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે મુકેશ પરમારનું મોત થયું હતું. બનાવના પગલે કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.
અકસ્માતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, અકસ્માતમાં મોતને ભેટનાર યુવાન બે ભાઈ એક બહેનના પરિવારમાં વચેટ હતો. ગઈકાલ રાત્રિના યુવાનનો મોટો ભાઈ મહેશ અન્ય બાઈકમાં તેના મિત્રો સાથે મઘરવાડા ગામે ગરબીમાં મેલડી માતાજીના આખ્યાનમાં જતો હતો. જ્યારે યુવાન તેના મિત્ર રોહિત સાથે અહીં માતાજીના આખ્યાનમાં જતો હતો, દરમિયાન આ ઘટના બની હતી. બનાવને લઇ કોળી પરિવારમાં કલ્પાંત છવાય ગયો હતો.