BREAKING NEWS

બેડી ચોકડી નજીક ઈજાગ્રસ્ત મળી આવેલા હડાળાના યુવકનું મોત: રિક્ષાનો બુકડો

  • November 04, 2025 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બેડી ચોકડી નજીક છેલ્લા દોઢ મહિનામાં વાહન અકસ્મામાં કિશોરથી લઇ વૃધ્ધવય સુધીના 6થી વધુ વ્યક્તિના મોત નિપજ્યા છે, જેમાં મોટા ભાગે ટ્રૅક અને ડમ્પર હડફેટે મોત થયાનું પોલીસ ચોપડે નોંધાયું છે. ત્યારે ગઈકાલે વધુ એક અકસ્માતમાં રિક્ષા ચાલક યુવાનનું મોત થયું છે. બેડી ચોકડીથી માધાપર રોડ વચ્ચે ઈજાગ્રસ્ત હાલતમાં યુવાન પડ્યો હતો જેને સારવાર માટે સિવિલમાં ખસેડાતા દમ તોડી દીધો હતો. યુવાનની રિક્ષાનો પણ બુકડો બોલી ગયો હોવાથી કોઈ વાહન અડફેટે અકસ્માત સર્જાયો છે કે પછી રિક્ષા ગોથું ખાઈ જતા ? તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબી રોડ પર હડાળા ગામે રહેતો પ્રેમ આમદભાઈ મોવર (ઉ.વ.18)નો યુવક રાત્રે રિક્ષા લઈ બજરંગવાડીથી પોતાના ઘરે જતો હતો ત્યારે બેડી ચોકડીથી માધાપર રોડ વચ્ચે રિક્ષાને અકસ્માત નડતા ગંભીર ઇજાઓ થઇ હતી. બનાવના પગલે આસપાસના લોકો દોડી ગયા હતા અને કોઈએ 108ને જાણ કરતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર કારગત નીવડે પહેલા જ દમ તોડી દેતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃતક યુવાન રિક્ષા હંકારી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સાંજે બજરંગવાડીમાં રહેતા દાદીમાના ઘરે રિક્ષા લઈને ગયો હતો અને ત્યાંથી રાત્રીના બારેક વાગ્યે પરત ઘરે જવા નીકળ્યો હતો દરમિયાન પરિવારજનોએ ફોન કરતા ફોન ઉપડતો ન હોવાથી દાદીના ઘરે ફોન કર્યો હતો દાદીમાએ પ્રેમ નીકળી ગયાનું કહેતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરતા બેડી ચોકડીથી માધાપર વચ્ચે માણસોના ટોળા ઉભા હોય અને રીક્ષા બુકડો બોલેલી હાલતમાં રોન્ગ સાઈડમાં પડી હોવાનું જોતા જ પરિવારજનો સ્થળ પર જોતા પ્રેમ ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યો હતો. ત્યાંથી સિવિલમાં ખસેડાતા મોત નીપજ્યું હતું.

પ્રેમના પિતા હયાત નથી, માતા છૂટક કામ કરે છે, ત્રણ બહેનના એકના એક ભાઈ અને પરિવારના આધારસ્તંભ યુવકના મૃત્યુથી પરિવારમાં માતમ છવાયો છે. અકસ્માત કેવી રીતે સર્જાયો જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application