આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગઈકાલ સાંજથી રાજકોટની મુલાકાતે છે. તેઓએ આજે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન હોલમાં ખેડૂતો સાથે બેઠક યોજી હતી. જેમાં તેઓએ ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાંથી ભાજપને દૂર કરીશું તો જ ન્યાય મળશે. પંજો(કોંગ્રેસ) અને કમળ (ભાજપ) બંને એક જ છે. ભારતમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારે ગાંધીજીએ 1942માં અંગ્રેજો ભારત છોડો આંદોલન છેડ્યું હતું એ રીતે હડદડની ઘટના ભાજપ ગુજરાત છોડો આંદોલન બનવા જઈ રહ્યું છે
એક-એક વ્યક્તિને અમે જેલમાંથી બહાર કાઢીશું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે બે મહિનાથી કેટલાક લોકો હજુ પણ જેલમાં બંધ છે, જેમાં 42ને જામીન થયા અને 46 હજી જેલમાં છે. એક-એક વ્યક્તિને અમે જેલમાંથી બહાર કાઢીશું. મને પણ જેલમાં નાખવામાં આવ્યો હતો. મારો વાંક શું હતો? હું દિલ્હીના લોકોની સેવા કરતો હતો. દિલ્હીમાં હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ, મહોલ્લા ક્લિનિક બનાવવાનું કામ કરતો હતો. 100 વખત મને જેલમાં બંધ કરવામાં આવશે તોપણ હું લોકો માટે કામ કરતો રહીશ. નકલી દારૂ, ડ્રગ્સ વેચનારને પકડવાની જગ્યાએ ખેડૂતોને પકડવામાં આવી રહ્યા છે.
ખરેખર દોષિત છે તેમને જેલમાં પૂરવામાં આવશે
કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે માત્ર આંદોલન કરવાથી નહીં, પરંતુ તમે ચૂંટણીમાં મત આપવા માટે જશો ત્યારે જે બટન દબાવશો એના આધારે તમને ન્યાય મળશે. બોટાદના હડદડમાં 88 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ખેડૂતો ત્યાં પથ્થરમારો કરવા નહીં પણ કડદા મામલે ન્યાય માગવા ગયા હતા, જેથી તમામ ખેડૂતોને છોડી મૂકવામાં આવે. બે વર્ષ પછી ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે ત્યારે તમામ ખોટી એફઆઈઆર રદ કરવામાં આવશે અને ખોટી રીતે જેઓ જેલમાં છે તેમને મુક્ત કરવામાં આવશે અને જેઓ ખરેખર દોષિત છે તેમને જેલમાં પૂરવામાં આવશે.
મારા ઘરે રેડ પાડવામાં આવી હતી
કેજરીવાલે કહ્યું હતું કે, એફઆઈઆરથી ડરવાની જરૂરી નથી. હું જેલમાં 6 મહિના રહ્યો છું. મનીષ સિસોદિયા અઢી વર્ષ જેલમાં રહ્યા હતા. મારા ઘરે રેડ પાડવામાં આવી હતી, પરંતુ એકપણ રૂપિયો મળ્યો નહોતો. મારા પર ખોટી ફરિયાદ કરી મને જેલમાં નાખવામાં આવ્યો હતો. બે વર્ષમાં આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં બની રહી છે. ખોટી તમામ FIR અમારી સરકાર બનતા રદ કરવામાં આવશે.