BREAKING NEWS

સિવિલમાં થેલેસેમિયા પીડિત બાળકોની દવાઓની અછત મામલે આપ પાર્ટી આક્રમક

  • August 12, 2026 02:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટની સરકારી સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા જેવી ગંભીર બીમારીથી પીડાતા આશરે ૫૦૦ જેટલા દર્દીઓ અને નિર્દોષ બાળકો શામેલ છે, તેઓને જરૂરી દવાઓ ન મળતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ ગંભીર મુદ્દે આમ આદમી પાર્ટી રાજકોટ શહેર દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સંબોધીને કલેક્ટર મારફત એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં આપના રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશીએ સરકાર અને રાજકોટ ભાજપના ધારાસભ્યો-સાંસદોની નિષ્ક્રિયતા સામે તીખા પ્રહારો કર્યા છે.


આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, હોસ્પિટલ તંત્ર એકતરફ દવાઓ ઉપલબ્ધ હોવાના દાવા કરે છે, જ્યારે બીજી તરફ દર્દીઓ અને તેમના પરિવારો દવા ન મળતી હોવાની તેમજ ઉપલબ્ધ દવાઓની ગુણવત્તા અને અસરાકારકતા સામે સવાલો ઉઠાવી રહ્યા છે. આ પ્રકારના વિરોધાભાસની તાત્કાલિક નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે. આમ આદમી પાર્ટીની મુખ્ય માંગણીઓ છે કે, થેલેસેમિયા પીડિત દર્દીઓ માટે જરૂરી તમામ દવાઓનો પૂરતો જથ્થો સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે, હાલમાં ઉપલબ્ધ દવાઓની ગુણવત્તા અને અસરકારકતાની સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસ કરવામાં આવે, દવાઓની ખરીદી, સપ્લાય અને વિતરણ વ્યવસ્થામાં થયેલી બેદરકારીની સંપૂર્ણ તપાસ થાય અને જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરી કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, દર્દીઓને બહારથી મોંઘી દવા ખરીદવાની ફરજ ન પડે તેની ખાતરી કરવામાં આવે, સમગ્ર મામલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક રિપોર્ટ જાહેર કરવામાં આવે અને લોકપ્રતિનિધિઓ પોતાનું વલણ સ્પષ્ટ કરે. આમ આદમી પાર્ટીએ ચેતવણી આપી છે કે થેલેસેમિયા પીડિત બાળકોની દવા કોઈ રાજકીય મુદ્દો નથી પરંતુ માનવજીવનનો પ્રશ્ન છે. જો તાત્કાલિક ધોરણે દવાનો પુરવઠો શરૂ કરી પારદર્શક તપાસ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં દર્દીઓ અને તેમના પરિવારોના હિતમાં લોકશાહી ઢબે વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને વહીવટી તંત્રની રહેશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application