સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) જેવી અત્યંત સંવેદનશીલ સંસ્થામાં ફરજ બજાવતા અધિકારી જ્યારે લાંચના લાલચમાં પડે ત્યારે સિસ્ટમ પર સવાલ ઉઠે તે સ્વાભાવિક છે. ગાંધીનગરની સરગાસણ ચોકડી પાસે આજે એસીબીએ એક સફળ ટ્રેપ ગોઠવીને સાણંદ સેન્ટરના સીનીયર ઇન્ટેલીજન્સ ઓફિસરને રૂપિયા ૮૦,૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ દબોચી લીધા છે.
પોલીસ પ્રોટેક્શનના નામે ખેલ
આ સમગ્ર કેસની વિગત હૃદય હચમચાવી દે તેવી છે. એક જાગૃત નાગરિક કે જેમને સુરક્ષાના કારણોસર પોલીસ પ્રોટેક્શન મળેલું હતું, તેમણે આ પ્રોટેક્શન રીન્યુ (નવીનીકરણ) કરાવવા માટે અરજી કરી હતી. આ અરજી પર 'પોઝીટીવ અભિપ્રાય' આપવાના બદલામાં સીનીયર ઇન્ટેલીજન્સ ઓફિસર કેતનભાઇ દવેએ ૮૦,૦૦૦ રૂપિયાની લાંચ માંગી હતી. સુરક્ષા માટેના અહેવાલમાં પૈસા માંગનાર અધિકારી સામે ઝૂકવાને બદલે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો અને ભ્રષ્ટાચાર સામે જંગ છેડ્યો.
સરગાસણ ચોકડી પર ‘સૌરાષ્ટ્ર ગાંઠીયા’ પાસે ટ્રેપ
એસીબીએ નાગરિકની ફરિયાદના આધારે આજે તા. ૧૫/૦૩/૨૦૨૬ના રોજ ચોકસાઈપૂર્વક છટકું ગોઠવ્યું હતુ. ગાંધીનગરની વ્યસ્ત સરગાસણ ચોકડી, સૌરાષ્ટ્ર ગાંઠીયા રથની બરાબર સામે હતું. આરોપી કેતન દવે વિશ્વાસમાં આવીને ફરિયાદીની ગાડીમાં બેસીને લાંચના નાણાં સ્વીકારી રહ્યા હતા. એ જ ક્ષણે એસીબીની ટીમે ત્રાટકીને તેમને ૮૦,૦૦૦ રૂપિયાની રોકડ સાથે પકડી પાડ્યા. એસીબીએ લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી લીધી છે અને આરોપીએ કરેલી 'હેતુલક્ષી વાતચીત' પણ રેકોર્ડ પર લેવામાં આવી છે.