BREAKING NEWS

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: પૂર્વ કલેક્ટરના પીએની રૂ.1.34 કરોડની અપ્રમાણસર મિલકતનો ખુલાસો, ACBએ નોંધી ફરિયાદ

  • July 19, 2026 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરેન્દ્રનગરમાં તત્કાલીન પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલના સમયમાં થયેલા અંદાજે રૂ.૧૫૦૦ કરોડના ચકચારી જમીન બિનખેતી કૌભાંડમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને ઇડી બાદ હવે એસીબીએ પણ ગાળિયો કસ્યો છે. આ મહાકૌભાંડના મુખ્ય સૂત્રધારો પૈકીના એક અને જે તે સમયે કલેક્ટરના પીએ તરીકે ફરજ બજાવતા હાલના નાયબ મામલતદાર જયરાજસિંહ ઝાલાની કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલ્કતનો પર્દાફાશ થયો છે. એસીબીની તપાસમાં જયરાજસિંહ પાસે કાયદેસરની આવક કરતાં રૂ.૧.૩૪ કરોડથી વધુની અનામી સંપત્તિ હોવાનું ખુલતા તેમની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વર્ગ-૩ના આ અધિકારી હાલમાં ફરજ મોકૂફ હેઠળ છે.


કલેક્ટર ભ્રષ્ટાચાર કાંડ અને EDની તપાસ

આ સમગ્ર હાઈપ્રોફાઈલ કેસની વિગતો મુજબ, સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલના ભ્રષ્ટાચાર કાંડમાં અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન તત્કાલીન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલાર્ક મયુરસિંહ, પીએ જયરાજસિંહ ઝાલા, સીટી મામલતદાર મયુર દવે તેમજ જિલ્લા અધિક કલેકટર આર.કે.ઓઝા સહિતના ઉચ્ચ અને મધ્યમ કક્ષાના અધિકારીઓની સીધી સંડોવણી બહાર આવી હતી. આ અધિકારીઓની બેનામી સંપત્તિ અને નાણાકીય ગેરરીતિઓની ઝડપી તેમજ ચોક્કસ તપાસ થાય તે હેતુથી એસીબી દ્વારા એક ખાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવી હતી.


ચેક પિરિયડ દરમિયાન રૂ.૧.૩૪ કરોડની બેનામી આવક મળી

એસીબીની એસઆઇટી દ્વારા કરવામાં આવેલી ઝીણવટભરી તપાસમાં આરોપી જયરાજસિંહ ઝાલાના નાણાકીય વ્યવહારો માટે ૧ એપ્રિલ ૨૦૧૬થી લઈને ૨૦ ડિસેમ્બર ૨૦૨૫ સુધીના સમયગાળાને 'ચેક પિરિયડ' તરીકે નક્કી કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન તેમના વિવિધ બેંક ખાતાઓના સ્ટેટમેન્ટ્સ અને મિલકતોની તપાસ કરતા કુલ રૂ.૩,૮૮,૩૩,૬૪૯ના નાણાકીય વ્યવહારો મળી આવ્યા હતા. જેમાંથી કાયદેસરના પગાર અને ભથ્થાની રકમ માત્ર રૂ.2,53,54,822 જ હતી, જ્યારે બાકીના રૂ.૧,૩૪,૭૮,૮૨૭ના વ્યવહારો સંપૂર્ણપણે ગેરકાયદેસર અને બેનંબરની આવકના હોવાનું સાબિત થયું હતું.


ઉચ્ચ અધિકારીઓના સુપરવિઝન હેઠળ કડક તપાસ

આવક કરતાં વધુ સંપત્તિ વસાવવા અંગેના મજબૂત અને પાકા પુરાવા મળતા જ સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ચકચારી કેસમાં અમદાવાદ એસીબીના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એન. પટેલ પોતે સરકાર તરફથી ફરિયાદી બન્યા છે. આ હાઈપ્રોફાઈલ ગુનાની આગળની તપાસ સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર પી.કે. પટેલ ચલાવી રહ્યા છે, જ્યારે આ સમગ્ર ઓપરેશન અને ગુનાનું સુપરવિઝન એસીબી રાજકોટ એકમના મદદનીશ નિયામક જે.ડી. મેવાડા કરી રહ્યા છે. આ ખુલાસા બાદ મહેસૂલ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application