અત્યાર સુધીમાં આપણે પૃથ્વી પર બનેલા ડેટા સેન્ટરો વિશે સાંભળ્યું હશે, જ્યાં મોટા સર્વર્સ રાખવામાં આવે છે, જે ઇન્ટરનેટથી લઈને એઆઈ સુધી બધું જ સંભાળે છે. પરંતુ ભવિષ્યમાં આ પરિસ્થિતિ બદલાઈ શકે છે. વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ ઈલોન મસ્કની કંપ્ની સ્પેસએક્સ હવે અવકાશમાં ડેટા સેન્ટર બનાવવાની તૈયારી કરી રહી છે. કંપ્નીને આ માટે યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી નોંધપાત્ર મંજૂરી મળી છે.
યુએસ ફેડરલ કોમ્યુનિકેશન કમિશન (એફસીસી)એ સ્પેસએક્સને અવકાશમાં એક મિલિયન ઉપગ્રહો તૈનાત કરવાની પરવાનગી આપી છે. આ ઉપગ્રહોનો ઉપયોગ ડેટા સેન્ટર તરીકે કરવામાં આવશે. સ્પેસએક્સનો પ્રોજેક્ટ સ્ટારમાઇન્ડ નામનો છે. તેનો ધ્યેય અવકાશમાં ડેટા પ્રોસેસ કરવાનો અને પૃથ્વી પર એઆઈ-સંબંધિત કાર્યો માટે કમ્પ્યુટિંગ પાવર પ્રદાન કરવાનો છે. આ ઉપગ્રહોમાં મોટી માત્રામાં ડેટા પ્રોસેસ કરવા માટે સક્ષમ કમ્પ્યુટર સિસ્ટમ્સ હશે. આ ઉપગ્રહો એકબીજા સાથે જોડાયેલા હશે અને ઓપ્ટિકલ લિંક્સ દ્વારા ડેટા શેર કરશે. ત્યારબાદ પ્રોસેસ્ડ ડેટા પૃથ્વી પર ટ્રાન્સમિટ કરી શકાશે.
સ્પેસએક્સ માને છે કે અવકાશમાં આ ડેટા સેન્ટરો સતત સૌર ઊર્જા પ્રાપ્ત કરી શકે છે. આનાથી પૃથ્વી પરના ડેટા સેન્ટરોની શક્તિ અને ઠંડકની જરૂરિયાતો પરના દબાણને ઓછું કરવામાં મદદ મળી શકે છે. કમ્પ્યુટિંગ પાવરની માંગ ઝડપથી વધી રહી છે, ખાસ કરીને એઆઈના વધતા ઉપયોગ સાથે. એફસીસીની મંજૂરી મુજબ, સ્પેસએક્સએ નવેમ્બર 2033 સુધીમાં તેનો પહેલો ઉપગ્રહ તૈનાત કરવો પડશે. તે પછી, કંપ્ની ધીમે ધીમે નેટવર્કનો વિસ્તાર કરશે. ધ્યેય નવેમ્બર 2040 સુધીમાં મંજૂર થયેલા એક મિલિયન ઉપગ્રહોને તૈનાત કરવાનો છે.
નિષ્ણાતો આ પ્રોજેક્ટ અંગે એકમત નથી. કેટલાક વૈજ્ઞાનિકોએ આટલા મોટા ઉપગ્રહ નેટવર્ક વિશે ચિંતા વ્યક્ત કરી છે. તેઓ માને છે કે તે અવકાશ અને પયર્વિરણમાં હાલના ઉપગ્રહોના કાર્યને અસર કરી શકે છે. વધુમાં, આટલું મોટું નેટવર્ક બનાવવું તકનીકી અને આર્થિક રીતે પડકારજનક હશે.