ભારતની પ્રાચીન જ્ઞાન પરંપરા અને અત્યાધુનિક ટેકનોલોજીના સંગમની દિશામાં ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયે સંસ્કૃત, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અને ભારતીય જ્ઞાન પ્રણાલીને સંકલિત કરતો દેશનો પ્રથમ ચાર વર્ષીય બી.ટેક કાર્યક્રમ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭થી વિશ્વવિદ્યાલયના નાસિક કેમ્પસ ખાતેથી શરૂ થનારો આ અભ્યાસક્રમ મહર્ષિ પાણિનીના વ્યાકરણની તાર્કિક સંરચનાને આધુનિક એઆઇ, મશીન લર્નિંગ અને ડેટા સાયન્સ સાથે જોડવાનો નૂતન પ્રયાસ કરશે.
કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયનો આ 'બી.ટેક ઇન એઆઇ એન્ડ ડેટા સાયન્સ' કાર્યક્રમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની બહુવિધ વિષયક શિક્ષણની વિભાવના પર આધારિત છે. આ અભ્યાસક્રમમાં આધુનિક કમ્પ્યુટર વિજ્ઞાનના અદ્યતન વિષયો જેવા કે સ્ટેટિસ્ટિક્સ (આંકડાશાસ્ત્ર), પાયથન પ્રોગ્રામિંગ, મશીન લર્નિંગ, ડેટા સાયન્સ, ડીપ લર્નિંગ, કમ્પ્યુટેશનલ લિંગ્વિસ્ટિક્સ, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષા અને ભારતીય જ્ઞાન પ્રણાલીના મૂળભૂત સિદ્ધાંતો પણ ભણાવવામાં આવશે. આ કોર્સના પ્રારંભિક તબક્કામાં માત્ર ૬૦ વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવશે અને આ પસંદગી જીના માધ્યમથી કરવામાં આવશે.
વિશ્વવિદ્યાલયના જણાવ્યા અનુસાર, સંસ્કૃત ભાષાની વ્યાકરણ સંરચના અને તેની ભાષાગત વિશેષતાઓ બહુભાષી એઆઇ પ્રણાલીઓના વિકાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તેમ છે. આ નવી ટેકનોલોજીના કારણે આગામી સમયમાં ભારતીય ભાષાઓ વચ્ચે પરસ્પર મશીન અનુવાદ, વાક ઓળખ અને સંવાદાત્મક એઆઇ પ્રણાલીઓના વિકાસને અભૂતપૂર્વ ગતિ મળશે.
આ કોર્સનો એક મોટો ભાગ સંસ્કૃત હસ્તપ્રતોના ડિજિટલાઇઝેશન સાથે પણ જોડાયેલો હશે, જેમાં ઓસીઆર, પ્રાચીન લિપિઓની ડિજિટલ ઓળખ અને એઆઇ આધારિત વિશ્લેષણ પર વિશેષ સંશોધન તેમજ પ્રોજેક્ટ્સ વિકસાવવામાં આવશે. વિદ્યાર્થીઓને સંસ્કૃતના મૂળભૂત સંચાર અને પઠન કૌશલ્યો પણ શીખવવામાં આવશે, જેથી તેઓ સંસ્કૃત આધારિત ડેટાસેટ અને સંશોધન સામગ્રી સાથે અસરકારક રીતે કાર્ય કરી શકે.
કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રીનિવાસ વરખેડીએ જણાવ્યું હતું કે, પાણિનીય વ્યાકરણની સંરચનાત્મક ચોકસાઈ અને તેની તાર્કિક પ્રણાલી આધુનિક કોડિંગ, અલ્ગોરિધમ અને મશીન લર્નિંગના સિદ્ધાંતોની અત્યંત નજીક છે