BREAKING NEWS

પાકિસ્તાનનું ડ્રગ્સ ગુજરાતમાં ઘૂસતુંઃ ATSએ રૂ.25 કરોડના મેથામ્ફેટામાઈન સાથે બેને દબોચ્યાં

  • April 07, 2026 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત-પાકિસ્તાન સરહદ પરથી નશીલા પદાર્થો ઘુસાડવાના પાકિસ્તાની સ્મગલરોની નાપાક ચાલને ગુજરાત અને રાજસ્થાન એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)એ નિષ્ફળ બનાવી છે. એક ગુપ્ત અને ચોકસાઈપૂર્વકના ઓપરેશનમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ કરી અંદાજે રૂ.25 કરોડની કિંમતનો પાંચ કિલો 'મેથામ્ફેટામાઈન' ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે રાજસ્થાનના બાડમેરના બે શખસોની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત એટીએસને અગાઉથી જ સચોટ માહિતી મળી હતી કે રાજસ્થાનના બે શખસો પાકિસ્તાની હેન્ડલરો પાસેથી ડ્રગ્સનો જથ્થો મેળવીને તેને ગુજરાતની સરહદમાં ઘુસાડવાની પેરવીમાં છે. આ ગંભીર બાતમીના આધારે બંને રાજ્યોની એજન્સીઓએ સંયુક્ત વ્યુહરચના બનાવી હતી. જેસલમેર અને બનાસકાંઠાને જોડતા નેશનલ હાઈવે 68 પર એટીએસની ટીમોએ સઘન વોચ ગોઠવી હતી.

ગઈકાલે સાંજના સમયે વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ ઇકો કારને આંતરવામાં આવી હતી. તલાશી લેતા કારની અંદર પીળા રંગની થેલીમાં અત્યંત સાવચેતીપૂર્વક છુપાવેલો 5 કિલો સફેદ પાવડર જેવો પદાર્થ મળી આવ્યો હતો, જે પરીક્ષણ બાદ ઉચ્ચ ગુણવત્તાનું 'મેથામ્ફેટામાઈન' ડ્રગ્સ હોવાનું સાબિત થયું હતું.

એટીએસની ટીમે સ્થળ પરથી બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં શંકરરામ રમેશરામ (રહે. બારમેર) અને સલમાન લાલાખાન (રહે. બારમેર)નો સમાવેશ થાય છે.

આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ ડ્રગ્સ પાકિસ્તાનના થારપારકર વિસ્તારના કુખ્યાત સ્મગલર 'મસાત સઓ મુબારક' દ્વારા સરહદ પાર કરાવીને ભારત મોકલવામાં આવ્યું હતું. પાકિસ્તાની હેન્ડલરે આ જથ્થો બારમેર જિલ્લાની સરહદ નજીક નિર્ધારિત લોકેશન પર 'ડ્રોપ' કર્યો હતો, જ્યાંથી આ બંને આરોપીઓએ તેને ઉપાડીને આગળ મોકલવાનું આયોજન કર્યું હતું.

તપાસ દરમિયાન એજન્સીઓએ આરોપીઓના મોબાઈલ ફોન કબજે કર્યા છે, જેમાં પાકિસ્તાની સ્મગલરો સાથેની વોટ્સએપ ચેટ, લોકેશન શેરિંગ અને ડ્રગ્સ ડિલિવરીના વીડિયો જેવા મજબૂત પુરાવા મળી આવ્યા છે. આ પુરાવાઓ સૂચવે છે કે આ કોઈ છૂટક ઘટના નથી પરંતુ એક મોટું આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ કાર્યરત છે. હાલમાં બંને આરોપીઓ સામે રાજસ્થાનના સદર બારમેર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની વિવિધ કલમો 8, 21, 22, 23, 25, 28, 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ડ્રગ્સ ગુજરાતમાં કોને પહોંચાડવાનું હતું? આ નેટવર્ક પાછળ બીજા કયા સ્થાનિક લોકો સંડોવાયેલા છે? અને અગાઉ કેટલો જથ્થો આ રીતે ઘુસાડવામાં આવ્યો છે? તે તમામ દિશામાં એટીએસની ટીમો તપાસ કરી રહી છે. આ ઓપરેશનને ગુજરાત અને રાજસ્થાન પોલીસ વચ્ચેના ઉત્કૃષ્ટ તાલમેલનું પરિણામ માનવામાં આવે છે, જેણે આંતરરાષ્ટ્રીય નશીલા પદાર્થોના વેપારને મોટો ફટકો માર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application