BREAKING NEWS

લોનની ચુકવણીનો ચેક આપી ‘એકાઉન્ટ ક્લોઝડ’, લોન ધારકને એક વર્ષની કેદ

  • September 02, 2026 02:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટની શ્રી હરિ માધવ ક્રેડિટ કો-ઓ. સોસાયટી લિ.માંથી લીધેલી લોનની ચુકવણી પેટે આપવામાં આવેલો રૂ.૧,૦૮,૩૦૦નો ચેક ‘એકાઉન્ટ ક્લોઝડ’ના શેરા સાથે પરત ફર્યા બાદ દાખલ થયેલા ચેક રિટર્નના કેસમાં રાજકોટની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતે આરોપી કાનજીભાઈ બોળીયાને એક વર્ષની સજાનો હુકમ કર્યો છે. અદાલતે આરોપીને ચેકની રકમ વળતર પેટે ચૂકવવા ઉપરાંત ફરિયાદની તારીખથી ૯ ટકા વ્યાજ ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.કેસની હકીકત મુજબ રાજકોટના નિર્મલા કોન્વેન્ટ રોડ પર સિદ્ધાર્થ કોમ્પલેક્ષ ખાતે શ્રી હરિ માધવ ક્રેડિટ કો-ઓ. સોસાયટી લિ.માંથી સભાસદ કાનજીભાઈ બોળીયાએ સોસાયટીમાંથી રૂ.૧ લાખની લોન લીધી હતી. લોનના બાકી હપ્તાની રકમ ચૂકવવા માટે તેમણે પોતાના ખાતાનો રૂ.૧,૦૮,૩૦૦નો ચેક તા.૧૧-૧૧-૨૦૨૧નો આપ્યો હતો.

ફરિયાદી મંડળીએ ચેક બેંકમાં રજૂ કરાવતા ‘એકાઉન્ટ ક્લોઝડ’ના શેરા સાથે ચેક પરત ફર્યો હતો. ત્યારબાદ સોસાયટી દ્વારા આરોપીને રજિસ્ટર્ડ એ.ડી.થી કાયદેસરની નોટિસ પાઠવવા છતાં આરોપીએ લેણી રકમ ચૂકવી ન હોવાથી સોસાયટી દ્વારા રાજકોટની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષે આરોપીને લોન આપવામાં આવી હોવાની તેમજ લેણી રકમ બાકી નીકળતી હોવાની હકીકતો પુરાવાથી સાબિત કરી હતી. અદાલતે કેસની હકીકતો અને સંજોગો તથા આરોપી કાનજીભાઈ બોળીયાની વર્તણૂક ધ્યાને લઈ તેને દોષિત ઠેરવી એક વર્ષની સજા તથા ચેકની રકમ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો હતો. ઉપરાંત ફરિયાદની તારીખથી ૯ ટકા વ્યાજ ચૂકવવાનો પણ હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી ક્રેડિટ કો-ઓ. સોસાયટી તરફથી ધારાશાસ્ત્રી રીતેષ એસ. કોટેચા તથા જય કોટેચા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application